મનપાની ભીંતચિત્રોની સુચનાને પગલે સ્વૈચ્છિક જગ્યા ખુલ્લી કરી; મહેસાણા શહેરમાં આવેલી મામલતદાર કચેરીની બહાર સાંકડી મઢી અને ભગત ઘણા જેવો ઘાટ ઘડાયેલો જોવા મળતો હતો. વર્ષોથી મામલતદાર કચેરી બહાર સકારી જગ્યા પર અડિંગો જમાવીને ખોટી રીતે અડચણરૂપ દબાણો કરીને બેઠેલા નોટરી વકીલો અને તેમના ટાઈપીસ્ટ જોવા મળતા હતા. જેમના ટેબલ, ખુરશી, તાડપત્રીના શેડ વગેરેના કારણે મામલતદાર કચેરીમાં આવતા લોકોને અડચણ થતી હતી. જ્યાં મામલતદાર કચેરી સામે બહારની બાજુએ આવેલી સાંકડી નાની ગકઇ જેવા રસ્તા પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
માથાના દુખાવા સમાન બની ગયેલી આ નાનકડી જગ્યામાં આવતા અરજદારો અને તેમના વાહનોની ચહલ પહલથી આખો દિવસ મામલતદાર કચેરીનો માર્ગ ઉભરાતો હતો જ્યાં અરાજદારોની સાથોસાથ નોટરી વકીલો તેમજ તેમના ટાઈપીસ્ટ દ્વારા સરકારી જગ્યા પર બીનઅધિકૃત રીતે તાડપત્રીનો શેડ બાંધી ટેબલ ખુરશી પાથરી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું. જેના લીધે સાંકડો રસ્તો વધુ સાંકડો બની જતા ત્યાંથી પસાર થતા અને આવતા જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમજ આખા દિવસ દરમિયાન ત્યાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળતી હતી.
તેવામાં મહેસાણા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરતા મામલતદાર કચેરી અને તેની આજુબાજુના વિસ્તારમાં રંગરોગાન સહિત ભીંત ચિત્રો દોરવાની શરૂઆત કરવામાં આવતા મામલતદાર કચેરીની બહાર નોટરી વકીલો તેમજ તેમના ટાઈપીસ્ટ દ્વારા જે રીતે દબાણ કરવામાં આવ્યું તે તે તમામ દબાણ સ્વૈચ્છિક રીતે જ હટાવવાનો વારો આવ્યો હતો. જ્યાં સાંકડી ગલીના વળાંકમાં ટેબલ, ખુરશી સહિત તાડપત્રીના શેડના વિવિધ દબાણો દૂર કરાવવામાં આવતા હાલના તબક્કે મામલતદાર કચેરી સામેનો રસ્તો ખૂબ જ મોકળો બનીનજવા પામ્યો છે તેમજ આવન જાવન કરતા વાહન ચાલકો માટે પણ આ રસ્તો ખુલ્લો બની જવા પામ્યો છે. ત્યારે હાલ પુરતાં નોટરી વકીલો તેમજ ટાઇપિસ્ટ હવે સામેની બાજુએ સરકારી ખુલ્લી જગ્યામાં પોતાના અડ્ડા જમાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા મામલતદાર કચેરીમાં શહેર અને તાલુકાના ગામડાઓના વિવિધ અરજદારોનો સવારથી સાંજ સુધી મોટાપાયે ધસારો રહેતો હોય છે, તેવામાં એટીવીટી અને આધાર કાર્ડ સેન્ટર પણ અહીં આવેલું હોઈ આવન જાવનમાં લોકોની ભારે ભીડ રહેતી હોય છે. જ્યારે મામલતદાર કચેરી નજીકમાં શાળાઓ અને વણીકર ક્લબ પણ આવેલું છે સાથોસાથ કલેક્ટર કચેરી અને જિલ્લાની મુખ્ય કોર્ટ તરફ જવાનો રસ્તો અને હોવાથી મામલતદાર કચેરી રોડ આખો દિવસ વાહનોની ધમધમતો રહે છે, ત્યાં કચેરી સામે જ મુખ્ય માર્ગ પર વળાંકની દીવાલને અડીને નોટરી અને ટાઇપિસ્ટ બેસતાં હોઇ ટેબલ અને તેની આગળ અરજદારો ઊભા રહેતાં હોવાથી રસ્તો સાવ સાંકડો બની જતો હતો.