મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનું ફોર્મ ભરવાના અંતિમ દિવસે 15 સભ્યોએ ફોર્મ ભર્યા
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી માટે ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. આ ચૂંટણીમાં રાજકીય દબદબો જોવા મળી રહ્યો છે, જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. અશોકભાઈ ચૌધરીની તાબા હેઠળની પેનલ દ્વારા બપોરે 12.39 કલાકે વિજય મુરતમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણે સહયોગ કરવા માટે જિલ્લા ભાજપની આખી ટીમ આવીને ઉભી રહી હતી, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર,સાંસદ હરિભાઈ પટેલ,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પેનલમાં કુલ 15 સભ્યોનો સમાવેશ થાય છે. કે જેમણે ભાજપના મેન્ડેડ પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
મહેસાણા દૂધસાગર ડેરીમાં નિયામક મંડળની 15 બેઠકો માટે આગામી 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવાની છે, જે અનુસંધાને ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી જીલ્લા કલેક્ટર કચેરીમાં ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવા ભારે ભીડ જામી હતી. પોત પોતાના ટેકેદારો સાથે આવેલા સભ્યોના કુલ 15 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતાં. આ અગાઉ દૂધસાગર ડેરીની ચૂંટણીને અનુલક્ષીને લગભગ 60 કરતા પણ વધારે ફોર્મ વિતરણ થયાં હતાં. પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે 60 જેટલા ફોર્મ વિતરણ થયેલા હોવા છતાં ફક્ત 15 સભ્યોની પેનલ દ્વારા જ આ ફ્રોમ ભરીને પરત કરવામાં આવ્યા છે એ સિવાયના અન્ય કોઈ ઉમેદવારોએ ફોર્મ ભરીને લોટણી દાવેદારી નોંધાવેલ નથી.
અગર જો અન્ય કોઈના ફોર્મ નહી ભરાય તો દૂધસાગર ડેરીની આ ચૂંટણી સમરસ બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ડેરીના 15 ડિરેક્ટર માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં અંદાજે 1280 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. હાલના તબક્કે શક્યતા વ્યક્ત થઈ રહી છે કે, જો અશોકભાઈ ચૌધરીની 15 સભ્યોની પેનલ સિવાય અન્ય કોઈ ફોર્મ નહીં ભરાય તો ચૂંટણી સમરસ જાહેર થઈ શકે છે. પરંતુ ભાજપની પેનલ દ્વારા ચૂંટણી સરસ થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.જોકે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની પેનલમાંથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવે તો ચૂંટણીનો જંગ ખેલાઈ શકે છે. જેના કારણે સૌ કોઈ બાજ નજરે વિપુલભાઈ ચૌધરીના સમર્થકોના ફોર્મ ભરાય છે કે પછી નથી ભરાતા તેના પર અટકેલી છે.

