ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પ્રચંડ ગરમીનો પ્રહાર પણ શરૂ થઈ ગયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો શરૂઆતના તબક્કામાં જ ઉચકાઈ જતા અસહ્ય ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. પરંતુ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ગ્રીનઝોન હોવા છતાં પણ અસહય ગરમી નો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
તેવામાં જો વાત કરવામાં આવે મહેસાણા જિલ્લાની તો સમગ્ર મહેસાણા જિલ્લાને હવામાન વિભાગ દ્વારા હાલના તબક્કે ગ્રીનઝોન જાહેર કરવામાં આવ્યો છે કે જ્યાં માત્ર આંશિક ગરમી નોંધાઈ છે પરંતુ ઉત્તર ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં પણ ઉનાળાની શરૂઆતથી જ ગરમીની પારો એકાએક વધી ગયો હોય તેમ અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. બપોરના સમયે મહેસાણા શહેરના અનેક રસ્તાઓ ખાલીખમ જોવા મળતા હોય છે જ્યાં કામ સિવાય બહાર જવાનું પણ લોકો ટાળી રહ્યા છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં ડામરના પાકા રોડ કે રસ્તાઓ પણ આવી ગરમી સામે ટકી ન શકતા પીગળવા લાગ્યા છે. ડામર પીગળવા સાથે રસ્તા પર પ્રવાહી સ્વરૂપે વહી રહ્યો છે તો વળી ગરમીથી રસ્તાઓ પીગલીતા હોવાથી વાહન ચાલકોને પણ લપસી પડવાનો ડર ભયભીત કરી રહ્યો છે. સતત ગરમી અને ગરમ પવનના લીધે ઉનાલણની શરૂઆતમાં જ લોકોને લૂ લાગવાનો ભય સતાવી રહ્યો છે. જેના કારણે ખાણીપીણીના વેપારીઓના ધંધામાં મહદઅંશે ઘટાડો થયો છે.
શાળા કોલેજ કે નોકરી ધંધે આવતા જતાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો પણ બપોરની અસહ્ય ગરમીના લીધે ગરમી સામે રક્ષણ મેળવવા અનેક યત્નો કરતા જોવા મળી રહ્યાં છે, ક્યાંક ક્યાંક તો લોકો પુરતું શરીર ઢંકાય તેવા કપાડા પહેરીને તો ક્યાંક ક્યાંક ઝાડના છાંયડા નીચે ઉભા રહીને પ્રચંડ ગરમીથી બચવાના પ્રયાસો કરતા જોવા મળી રહ્યાં છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દેતા મહેસાણા શહેર અને જિલ્લાભરમાં ઠેર ઠેર ઠંડા પીણા કે શેરડીના જ્યુસના કોલામાં પણ નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે. આમ મહેસાણા જિલ્લા અને શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ જિલ્લા વાસીઓને અંગ દઝાડી દે તેવી અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ઉનાળાની આકરી ગરમી સામે જિલ્લા વાસીઓને રક્ષણ આપવા માટે સરકારી તંત્ર પણ અત્યારથી જ તેની તૈયારીઓ કરવા કામે લાગી ગયું છે.