મહેસાણા જિલાના સાંસદની ઉંઝા ખાતે સ્પાઇસ બોર્ડનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવાની માંગ

મહેસાણા જિલાના સાંસદની ઉંઝા ખાતે સ્પાઇસ બોર્ડનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવાની માંગ

દેશમાં સ્પાઇસના કુલ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો 40 ટકા હિસ્સો

મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે આજે લોકસભામાં કલમ ૩૭૭ હેઠળ મહત્વની રજૂઆત કરીને ઉત્તર ગુજરાતના મસાલા ઉત્પાદક ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે કલમ ૩૭૭ હેઠળ લોકસભામાં ઊંઝા ખાતે સ્પાઇસ બોર્ડનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવા માટે રજુઆત કરી હતી. દેશમાં સ્પાઇસના કુલ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો કુલ હિસ્સો 40 ટકા છે.જ્યારે મહેસાણા લોકસભામાં સમાવીષ્ઠ ઊંઝા સ્પાઇસ માટે દેશ જ નહીં બલ્કે સમગ્ર એશિયામાં નામના ધરાવે છે.આ તબક્કે ખેડૂત અને વેપારીઓને યોગ્ય લાભ અને સહાય મળે તે માટે મહત્વપૂર્ણ રજુઆત કરવામાં આવી છે.

સ્પાઇસનું ઉત્પાદન અને સંવર્ધન માટે વર્તમાન સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલીકરણ કરવામાં આવ્યું છે. જો કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્પાઇસ  પકવતા ખેડૂત અને વેપારીઓ સુધી પહોચે તે માટે વ્યવસ્થા જરૂરી છે. આ સંજોગોમાં ઉત્તર ગુજરાતના મસાલા પાક પકવતા ખેડૂતો અને મસાલા પાક સાથે સંકળાયેલ વેપારીઓના મહત્વપૂર્ણ પ્રશ્નને મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે વાચા આપી છે. હરિભાઈ પટેલે આ મામલે લોકસભામાં કલમ 377 હેઠળ રજુઆત કરી જણાવ્યું કે, દેશના કુલ મસાલા પાકના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો હિસ્સો આશરે ૪૦ ટકા જેટલો છે, જેમાં ઉંઝા બજાર દેશનું સૌથી મોટું જીરું અને વરિયાળીનું બજાર તરીકે જાણીતું છે. છતાં પણ આ વિસ્તારમાં મસાલા પાકના વિકાસ, સંવર્ધન અને પ્રોત્સાહન માટે કોઈ ખાસ યોજના કે સુવિધા ઉપલબ્ધ નથી. હાલ સ્પાઇસ બોર્ડ ઓફ ઈન્ડિયાનું મુખ્ય મથક કેરળના કોચી ખાતે આવેલું છે.

આ કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારોને બોર્ડની યોજનાઓનો લાભ લેવા માટે મુંબઈ કે કોચી જવું પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે તેમજ ઘણા ખેડૂતો આ સુવિધાઓથી વંચિત રહી જાય છે.સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્ર સરકાર પાસે કલમ 377 મુજબ રજુઆત કરી છે કે  ઉંઝા ખાતે સ્પાઇસ બોર્ડ ઓફ ઈન્ડિયાનું ક્ષેત્રીય કાર્યાલય તાત્કાલિક સ્થાપવામાં આવે. આ કાર્યાલય સ્થપાય તો સ્થાનિક ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન, ગુણવત્તા પરીક્ષણ, નિકાસ પ્રમોશન, બીજ-ખાતર સબસિડી તેમજ નવીન ટેકનોલોજીનો સીધો લાભ મળી શકશે. સાથે જ મસાલા પાકનું ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થઈ શકશે તેમજ નિકાસમાં પણ વૃદ્ધિ થશે.આ રજૂઆતથી ઉત્તર ગુજરાતના લાખો ખેડૂતો અને વેપારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે. ઉંઝા એપીએમસીના ચેરમેન તેમજ મસાલા વેપારી સંગઠનોએ સાંસદની આ રજૂઆતનું સ્વાગત કર્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા તેના પર ત્વરિત કાર્યવાહી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *