મહેસાણાના તાવડિયા રોડ સ્થિત હેરિટેજ કોમ્પ્લેક્ષમાં રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. કોમ્પ્લેક્ષના પાછળના ભાગે આવેલા સિક્યુરિટી રૂમમાં વીજ શોર્ટ સર્કિટને કારણે મોટો ધડાકો થયો હતો. રવિવાર હોવાથી માર્કેટ બંધ હતું અને ત્યાં કેટલાક સ્થાનિક લોકો હાજર હતા.
અચાનક થયેલા મોટા ધડાકાના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. સિક્યુરિટી રૂમમાંથી ધુમાડો નીકળતો હતો અને રૂમના બારી-બારણાં તૂટી ગયા હતા. લોકોએ તાત્કાલિક રૂમમાં તપાસ કરતા અંદર રહેલા બાળકો સહિત ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, દીવાલમાં કન્સિલ કરેલા વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી દીવાલના પોપડા ઉખડી ગયા હતા. મેઈન સ્વીચ બોર્ડ અને અન્ય વાયરિંગ સામાન બળીને કાળો થઈ ગયો હતો. બાથરૂમનું વાયરિંગ અને દીવાલનું સ્ટ્રક્ચર પણ નુકસાન પામ્યું હતું. ઘટનાની જાણ થતાં વાયરમેને તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો હતો. આ દુર્ઘટનામાં સિક્યુરિટી રૂમના સામાનને નોંધપાત્ર નુકસાન થયું હતું, પરંતુ સૌથી મહત્વની બાબત એ રહી કે કોઈ જાનહાનિ થઈ ન હતી.