મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ

મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ

આજરોજ મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ જિલ્લામાં ચાલી રહેલ વિવિધ વિકાસ કામો, રસ્તાના કામોની હાલની સ્થિતિની જાણકારી મેળવી આ તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકમાં આરોગ્ય મંત્રીએ જિલ્લામાં કુપોષિત બાળકો, કુપોષિત માતાઓ અને જોખમી પ્રસુતિવાળી માતાઓને આઇડેન્ટીફાઈ કરીને જોખમી પ્રસુતિવાળી માતાઓને હોસ્પિટલમાં અગાઉથી એડમિશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ સીઆરએસ મારફત કુપોષિત બાળકો અને કુપોષિત માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા પણ જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ જિલ્લામાં ટીબી રોગના દર્દીઓ અંગે જાણકારી મેળવી આ તમામ દર્દીઓને પૂરક પોષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. તેમજ બેઠકમાં મંત્રીએ RTE હેઠળ ખાનગી શાળામાં યોગ્ય પાત્રતા ધરાવનારને એડમિશન મળી રહે અને આ એડમિશન તેમને નજીકના સ્થળની શાળામાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલ અરજીઓ, સરકારી નાણાંની વસૂલાત, બાકી ઓડીટ પેરા, પડતર કાગળોની સ્થિતિ, પેન્શનના કેસો સહિત વિવિધ બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *