ટ્રેલર પલટી જતા હાઇવે પર ટ્રાફિક જામ
ડીસા તાલુકાના ભોયણ પાટિયા નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માલ ભરેલા એક ટ્રેલરનું ટાયર ફાટ્તા તે અચાનક પલટી મારી દેતા ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ, ટેલર ચાલક કોઈ કારણસર નિયંત્રણ ગુમાવી બેસતા પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ટ્રેલરમાં સવાર અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ, સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને કારણે ટ્રેલર હાઇવે પર પલટી ગયુ હોવાથી માર્ગ પર અવરોધ ઊભો થયો હતો. જેને પગલે ડીસા-ભોયણ પાટિયા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને ટેલરને હટાવીને ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


