સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 15’ ની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ સીઝનને તેની વિજેતા મળી ગઈ છે, જેનું નામ માનસી ઘોષ છે. આ સીઝનની ટ્રોફી સાથે, માનસી ઘોષને 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને એક નવી કાર પણ મળી. એટલું જ નહીં, માનસી ઘોષ ‘સુપર સિંગર’ની ફર્સ્ટ રનર-અપ પણ રહી છે. શોના ફર્સ્ટ રનર અપ શુભોજીત ચક્રવર્તી હતા જ્યારે સેકન્ડ રનર અપ સ્નેહા શંકર હતા.
ફિનાલેમાં ટ્રોફી માટે ત્રણ શ્રેષ્ઠ ફાઇનલિસ્ટ માનસી ઘોષ, શુભોજીત ચક્રવર્તી અને સ્નેહા શંકર વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. ત્રણેયે પોતાના અવાજથી બધાનું દિલ જીતી લીધું, પણ માનસી ઘોષ વિજેતા બની. આ સિઝન જીત્યા પછી, માનસી ભાવુક થઈ ગઈ અને તેણે તેના પરિવારને સ્ટેજ પર બોલાવ્યો. આ સીઝનના વિજેતાની જાહેરાત ઇન્ડિયન આઇડલના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ કરવામાં આવી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, ‘માનસી ઘોષને ઈન્ડિયન આઈડલ સીઝન 15 જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન!’ કેવો અવાજ, કેવો યાદગાર પ્રવાસ! તમે ખરેખર આ જીતને લાયક છો, તમે દરેક પ્રદર્શનને અદ્ભુત બનાવ્યું.