મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું જ્યારે બે પ્રોફેસર સહિત 35 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આઉટર ભોપાલના ભૌનરી બાયપાસ પર એક ઝડપી ટ્રકે કોલેજ બસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ તે બસને દૂર સુધી ખેંચી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો પાછળનો ભાગ ઉડી ગયો હતો.
અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.
આ અકસ્માત બપોરે 2 વાગ્યે થયો હતો. તમામ વિદ્યાર્થીઓ પીપલ્સ સ્કૂલ ઓફ રિસર્ચ એન્ડ ટેકનોલોજીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે. તમામ વિદ્યાર્થીઓ આઇસર કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવા ગયા હતા. અકસ્માતમાં 6 બાળકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલ તબીબોની ટીમ બાળકોની સારવારમાં વ્યસ્ત છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, વિદ્યાર્થીઓ મુલાકાતેથી પરત ફરી રહ્યા હતા ત્યારે બસને અકસ્માત નડ્યો હતો.