મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલા ભવપુરા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બનવા પામી હતી, જેમાં નવા મકાનની ચાલી રહેલી કામગીરી દરમિયાન તે મકાનને અડીને આવેલા જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતાં ૭થી વધુ મજૂરો દટાઈ ગયા હતા. આ ઘટનામાં એક મજૂરનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલીક બચાવ કામગીરી હાથ ધરવાનું શરૂ કર્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, ભવપુરામાં એક નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન બાજુમાં આવેલી એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધસી પડી હતી અને ત્યાં કામ કરી રહેલા ૭ થી વધુ શ્રમિકો તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતાની સાથે જ વિસ્તારમાં ભાગમદોડ મચી ગઈ હતી. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ કાટમાળ નીચે દટાયેલા તમામ મજૂરોને બહાર કાઢ્યા હતા.
જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મજૂરોને હોસ્પિટલ ખસેડાયા હતાં, દટાયેલા તમામ ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન, ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરનું મોત નીપજ્યું હતું, જેના પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત, અન્ય બે મજૂરોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાકીના મજૂરોની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના તબીબો તેમની સારવાર કરી રહ્યા છે. સમગ્ર દુર્ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ ભાગ્યોદય હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગેની વિગતો મેળવવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

