મધ્યપ્રદેશમાં સાપ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અહીં સાપ કરડવાથી મૃત્યુ માટે સરકાર દ્વારા વળતર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, અધિકારીઓએ ઘણી નકલી એન્ટ્રીઓ કરી અને વળતર હડપ કરી લીધું. તપાસમાં જાણવા મળ્યું છે કે અધિકારીઓએ કુલ ૧૧ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ૨૦૧૯ થી ૨૦૨૨ ની વચ્ચે થયેલા આ કૌભાંડમાં ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડીઓએ સરકારી નિયમનો લાભ લીધો હતો જેમાં સાપ કરડવા સહિતની કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને ૪ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે.
જબલપુર ડિવિઝનના સંયુક્ત નિર્દેશક (બજેટ અને એકાઉન્ટ્સ વિભાગ) રોહિત સિંહ કૌશલે જણાવ્યું હતું કે અધિકારીઓની મિલીભગતથી, સર્પદંશના પીડિતોને વળતર આપવા માટે બનાવાયેલ તિજોરીમાંથી 279 નકલી નામોનો ઉપયોગ કરીને પૈસા ઉપાડવામાં આવ્યા હતા. મૃત્યુ પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કર્યા વિના રકમ મંજૂર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સહાયક ગ્રેડ-3 કર્મચારી સચિન દહાયત મુખ્ય કાવતરાખોર હતો, જેણે અન્ય અધિકારીઓ સાથે મળીને સરકારની ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (IFMS) માં કથિત રીતે છેડછાડ કરી અને પૈસાની ઉચાપત કરી હતી.
અમારી તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે કાગળો પર (સાપના કરડવાથી) મૃત જાહેર કરાયેલા લોકો ખરેખર જીવંત હતા. ઉપરાંત, મૃતકોની યાદીમાં ઘણા ખોટા નામો હતા, તેવું કૌશલે કહ્યું હતું. કેવલારી પોલીસ સ્ટેશનના વડા એસ.એસ. રામ ટેક્કરે જણાવ્યું હતું કે કુલ ૧૧.૨૬ કરોડ રૂપિયા છેતરપિંડીથી ૪૬ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, અને ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી, સચિન દહાયત, પહેલેથી જ કસ્ટડીમાં છે અને 25 વધુ શંકાસ્પદોની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે, તેવું તેમણે કહ્યું હતું.