ડીસાના સમૌ નાના ગામમાં પ્રેમ લગ્નના રેકેટનો પર્દાફાશ : એક વર્ષમાં 133 લગ્નની નોંધણી

ડીસાના સમૌ નાના ગામમાં પ્રેમ લગ્નના રેકેટનો પર્દાફાશ : એક વર્ષમાં 133 લગ્નની નોંધણી

પ્રેમ લગ્નના કાયદામાં સુધારો જરૂરી : ગામલોકોમાં આક્રોશ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાના એવા ગામમાં પ્રેમ લગ્નના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. માત્ર એક જ વર્ષમાં, એક જ પંડિત અને ગામના એક જ મંદિરમાં 133 પ્રેમ લગ્નોની નોંધણી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ કરી રહેલા સમાજને વધુ આંદોલન કરવા માટે મજબૂર કર્યા છે.​પ્રેમ લગ્ન કાયદામાં સુધારા માટે પાટીદાર અને અન્ય સમાજો દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજાઈ રહી છે, ત્યારે આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

ડીસાના સમૌ નાના ગામમાં આવેલ જોગણી માતાના મંદિરમાં આટલી મોટી સંખ્યામાં પ્રેમ લગ્નો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ દસ્તાવેજોની ચકાસણી કરતા ઘણા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે.​ગામના લોકોનો આક્ષેપ છે કે આટલા મોટા પાયે લગ્ન નોંધણી થઈ હોવા છતાં ગામના સરપંચ કે સ્થાનિક લોકોને તેની કોઈ જાણ જ નથી. ગામના લોકોએ જણાવ્યું કે, ‘આજે પણ પ્રેમ લગ્નની વાતો સામે આવી રહી છે, તેના વિશે ગામના લોકોને કોઈપણ પ્રકારની જાણ નથી.’ તેમ જ આ ઘટનાથી ગામ અને જોગણી માતાના મંદિરની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું લોકોએ જણાવ્યું છે. ગામના સરપંચ રાજુભા યાદવ દ્વારા આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે આ લગ્નોની નોંધણી અગાઉના તલાટી પંકજભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ લગ્નોની નોંધણી કોર્ટના નિયમ પ્રમાણે કરવામાં આવી હતી. જો કે, સરપંચ અને ગામલોકોનો આક્ષેપ છે કે આ લગ્નો શંકાસ્પદ છે અને તેમાં કૌભાંડ થયું છે.

​વર્ષ 2020 અને 2021 માં કુલ 159 લગ્નોની નોંધણી થઈ હતી, જેમાંથી એકલા 2021 ના વર્ષમાં 133 લગ્નો નોંધાયા હતા. આ તમામ લગ્નો એક જ સ્થળે અને એક જ પંડિત દ્વારા કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગામના લોકોની માંગ છે કે આ કૌભાંડમાં સામેલ તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ગામ અને મંદિરની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત થઈ શકે. આ કૌભાંડ દર્શાવે છે કે પ્રેમ લગ્નના નામે દસ્તાવેજોનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે કાયદામાં સુધારાની જરૂરિયાત વધુ સ્પષ્ટ થઈ રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *