પાલનપુરમાં પોલીસને પડકાર ફેકતા પંચરત્ન શોપિંગ સેન્ટરમાં એક તસ્કરે 8 દુકાનોના તાળાં તોડ્યા હતા. બિન્દાસપણે તાળાં તોડતો તસ્કર સીસીટીવી માં કેદ થઈ ગયો છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પંચરત્ન શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાત્રે એક તસ્કર ત્રાટક્યો હતો. જે શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવ્યો હતો. જ્યાં તેણે 8 દુકાનો ના તાળાં તોડ્યા હતા. જોકે, મોટાભાગે દુકાનોમાં વેપારીઓની વખાર હોઈ ચોરને મોટી માલ મત્તા ન મળતા વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું તેવું ભોગ બનનારા વેપારી શૈલેષભાઈ પઢીયારે જણાવ્યું હતું.
અગાઉ પણ પંચરત્ન શોપિંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટકયા હતા. ત્યારે ગતરાત્રે એક સાથે 8 દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, ચોરનો ચોરી કરવાનો પ્રયાસ નાકામ રહ્યો હતો. પરંતુ પોલીસ તસ્કરોને નશ્યત કરે તેવી માંગ ભોગ બનનાર વેપારી લાલજીભાઈ ભુવાએ કરી હતી. 8 દુકાનોના તાળાં તોડી ચોરીનો નાકામ પ્રયાસ કરનાર તસ્કર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તપાસ હાથ ધરી છે. જોકે, બિન્દાસપણે તાળાં તોડનાર તસ્કરને લઈને પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓ પોકળ પુરવાર થયા છે.