સિદ્ધપુર-મહેસાણા હાઇવે પર એલસીબી પોલીસે નાકાબંધી કરી રૂ.46.39 લાખનાં પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ટ્રક પકડી પાડ્યું હતું.અને તેના ચાલકની ધરપકડ કરી હતી.દિવાળીનાં તહેવારોમાં પાટણ જિલ્લામાંથી એલસીબી સહિત ની પોલીસે રૂ.બે કરોડ થી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો છે.
પાટણ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે પરપ્રાંતિય દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ટ્રક ધારેવાડા બાજુથી પસાર થઈ મહેસાણા તરફ જવાની છે.બાતમી આધારે સિદ્ધપુર મહેસાણા હાઈવે પર એલસીબીની ટીમે નાકાબંધી કરતાં હોટલ અમરદીપ નજીક હાઈવે રોડ પરથી પોલીસે કન્ટેનર ટ્રક પકડી પાડ્યું હતું.
તેમાં તપાસ કરતાં પોલીસને રૂ.46.39 લાખનાં 6168 દારૂની બોટલ મળી આવતાં પોલીસે કન્ટેનર ટ્રકનાં ચાલક રાજસ્થાનનાં બાડમેર જિલ્લાના રમેશ ભભૂતારામ જાટને પકડી પાડ્યો હતો. દારૂ અને ટ્રક, જીપીએસ સહિત કુલ રૂ.56.45 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. સિદ્ધપુર પોલીસ મથકે રાજસ્થાનનાં રમેશ ભભુતારામ જાટ,વિકાસજી તેમજ કન્ટેનર ટ્રકનાં માલિક મળી 3 શખ્સો સામે કાર્યવાહી કરી હતી.

