કડી તાલુકાના આદુન્દ્રા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ ગુરુવારે કેનાલમાં તરતી લાશો જોઈને, તુરંત કડી પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, યુવક અને યુવતીએ એકબીજાના હાથ દુપટ્ટાથી બાંધીને કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 50 કિલોમીટરથી વધુ લંબાઈમાં મુખ્ય નર્મદા કેનાલ અને માઈનોર કેનાલ પસાર થાય છે. કરણનગર વાય જંક્શન પાસેથી નર્મદા કેનાલના બે વિભાગ થાય છે – એક ઉત્તર ગુજરાત તરફ અને બીજો સૌરાષ્ટ્ર તરફ. આ કેનાલમાંથી વારંવાર લાશો મળવાની ઘટનાઓ બનતી રહે છે. પોલીસે હાલ બંને મૃતકોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. અને તેમના પરિવારજનોની શોધખોળ ચાલુ છે.