૧૦ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત ૨૫ હજારની એફ.ડી, ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપીને કરાયા પ્રોત્સાહિત
ઝુપડપટ્ટીમાં રહેતી દીકરીઓને દર રવિવારે શિક્ષણ આપતી ૧૪ દીકરીઓનું અધિક કલેકટરના હસ્તે કરાયું સન્માન; સમગ્ર વિશ્વમાં ૮ માર્ચના રોજ ૧૧૨માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે જેના અનુસંધાને આજરોજ કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકીઓનું સન્માન કરાયું હતું.
મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર અને ૯૦.૪ એફ.એમ રેડિયો પાલનપુરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ૧૦ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત ૨૫ હજારની એફ.ડી, ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝુપડપટ્ટીમાં રહેતા દીકરીઓને ભણાવવા માટે રવિવારે શાળા ચલાવવામાં આવે છે. તેમાં શિક્ષણ આપતી કુલ ૧૪ દીકરીઓને અધિક કલેકટર દ્વારા સન્માન કરાયું હતું. ઝીલ પ્રજાપતિ કે જેમણે બનાસકાંઠામાં ૨૮૦૦ જેટલી દીકરીઓને મફત કરાટેની તાલીમ આપી હતી તેમનું પણ સન્માન કરાયું હતું.
આ અંગે મહિલા કલા નિધિ ટ્રસ્ટના ચેરમેન રશ્મી હાડાએ જણાવ્યું કે, બેટી બચાઓ બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે. સમાજમાં એક સંદેશ જાય કે દીકરીઓ માટે જેટલું સારું કાર્ય કરીએ એટલું ઓછું છે. આ કાર્યક્રમમાં ડૉ.સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.