ડીસા- ધાનેરા હાઇવે પર આવેલ ઝેરડા નજીક બનાસકાંઠા એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરીને આવતા બે છોટાહાથીને તેમજ પાઇલોટિંગ કરતી કારને ઝડપી કુલ રૂ.19,00,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી બનાસકાંઠાના વિવિધ માર્ગો પરથી થઈ રહી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરી અવારનવાર દારૂ ઝડપી લેવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ધાનેરા તરફથી વિદેશી દારૂ ડીસા આવવાનો છે. જેથી પોલીસે ઝેરડા નજીક નાકાબંધી કરતા બે છોટા હાથીમાં શાકભાજીના ખાલી કેરેટ ભરેલા હોવાથી તેને શંકાની દ્રષ્ટિએ તપાસ કરતા ખાલી કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઉપરાંત આ દારૂ ભરીને જતા બંને છોટાહાથીની આગળ આગળ એક હોન્ડા અમેઝ કાર પેટ્રોલિંગ કરી રહી હતી. જેથી પોલીસે તેને પણ ઝડપી લીધી હતી. પોલીસે ડીસા તાલુકા પોલીસ મથકે લાવી દારૂનો જથ્થો તપાસ કરતા જુદી જુદી બનાવટની 3490 બોટલ (કિંમત રૂપિયા 5.72 લાખ) તેમજ રૂપિયા પાંચ લાખની કિંમતની હોન્ડા અમેઝ કાર, અને રૂપિયા 10 લાખની કિંમતના બે છોટાહાથી, તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા 19.72 લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસે ત્રણેય વાહનોના ચાલકો કાનારામ જેઠારામ દેવાસી, મહાદેવરામ હોથીરામ રબારી (બંને રહે. રાણીવાડા તા સાંચોર જિલ્લો ઝાલોર) અને અશોકકુમાર સાવલારામ પંડ્યા (રહે. ચિતલવાણા, રાજસ્થાન) ની અટકાયત કરી આ દારૂનો જથ્થો ભરાવનાર તેમજ મંગાવનાર શખ્સો સામે પણ ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.