બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે જગાણા નજીક આવેલી મારૂતી હોટલ પાસેથી મોટી કામગીરી કરી છે. પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર RJ-19-GJ-0103માંથી 1.52 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે ટ્રકમાંથી કુલ 26,460 બોટલ દારૂ અને બિયર જપ્ત કર્યા છે. જેની કિંમત રૂ. 1.17 કરોડ છે. આ ઉપરાંત મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1.52 કરોડ થાય છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
જેમાં ટ્રક ચાલક તાજમહંમદ ઈબ્રાહીમખાન હિંગોલજા (રહે. તોગા, ફતેગઢ, જેસલમેર) અને ખલાસી હૈદરખાન શેરૂખાન નુઈજા (રહે. ખેતાસર, દાંતલ, જેસલમેર)નો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો અતઈખાન જુમાખાન મુસલમાને ભરાવ્યો હતો. ટ્રકના માલિક મીસરીખાન કમરૂદ્રીનખાન મુસલમાન છે. આ દારૂનો જથ્થો કચ્છ-ભુજના યુવરાજસિંહ વજુભાઈ જાડેજાએ મંગાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે રાજસ્થાન બોર્ડર તરફથી આવતા જાહેર અને અંતરિયાળ રસ્તાઓ પર નાકાબંધી કરી હતી. જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

