પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીની સૂચના મુજબ સિધ્ધપુરમાં એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સિધ્ધપુરના તાહીરપુરા અબ્બાસીબાગ સોસાયટી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે રફીકખાન અમીખાન કુરેશી પાસેથી ૭૬૫ લિટર શંકાસ્પદ ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ જપ્ત કર્યો છે. આ પેટ્રોલિયમ પદાર્થની કિંમત રૂ. ૬૫,૦૨૫ આંકવામાં આવી છે.
પોલીસે આરોપી પાસેથી ૧૦ ખાલી કેરબા, એક ઇલેક્ટ્રિક મોટર, એક નાની પારદર્શક પ્લાસ્ટિકની નળી, ત્રણ લોખંડના માપિયા અને એક સફેદ કલરનું મોટું નાળચું પણ જપ્ત કર્યું છે. કુલ મળીને રૂ. ૬૭,૩૨૫નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ માટે આરોપીને સિધ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. મામલતદાર (પુરવઠા) સિધ્ધપુરની હાજરીમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.