ભારતીય સેનાની 07 જાટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હોવાના અહેવાલ : જવાનોને એરલિફ્ટ કરીને સારવાર અપાઈ
જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં નિયંત્રણ રેખા નજીક લેન્ડ માઈન વિસ્ફોટમાં ભારતીય સેનાની જાટ રેજિમેન્ટના એક સૈનિક (અગ્નિવીર)નું મોત થયું હતું જ્યારે એક JCO અને એક સૈનિક ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને ઉધમપુરમાં આર્મી બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવેલી તાલુકાના સલોત્રી ગામમાં વિક્ટર પોસ્ટ નજીક બપોરે 12 વાગ્યે વિસ્ફોટ થયો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લેન્ડ માઈન વિસ્તારમાં ઘૂસણખોરી અટકાવવા માટે મૂકવામાં આવી હતી અને ભારતીય સેનાની 07 જાટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.
ભારતીય સેનાની 7મી જાટ રેજિમેન્ટના નાયબ સુબેદાર હરિ રામ, હવાલદાર ગજેન્દ્ર સિંહ અને અગ્નિવીર લલિત કુમાર અગ્રીમ પોસ્ટ નજીક નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે જમીન નીચે દાટેલી M-16 સુરંગનો વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા હતા, જ્યારે હવાલદાર ગજેન્દ્ર સિંહ અને સુબેદાર હરિ રામ ગંભીર રીતે ઘાયલ થયા હતા.સેના અને સ્થાનિક વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્ફોટના સંજોગોની તપાસ શરૂ કરવામાં આવી છે. ભારતીય સેના સરહદ પારથી ઘૂસણખોરી અટકાવવા માટે આ આગળના વિસ્તારોમાં નિયમિતપણે પેટ્રોલિંગ કરે છે અને સુરક્ષા પ્રોટોકોલના ભાગ રૂપે લેન્ડમાઇન બિછાવે છે.

