છેલ્લા એક વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહેલા કામથી વાહન ચાલકો – લોકોને હાલાકી
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં સુજલામ સુફલામ્ કાચી કેનાલ ઉપર ચાલી રહેલા પુલની કામગીરીમાં રોડ ઓર્થોરીટીની ઢીલી નીતિ ચર્ચાનો વિષય બની છે. લાખણી -ડીસા ફોર લાઈન હાઇવે ઉપર બે લાઈન વાળા પુલને ચાર લાઈન વાળો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેને છેલ્લા એક વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા છતાં કામગીરી જેસે થે હાલતમાં જોવા મળી રહી છે.
ડીસા- લાખણી ફોર લાઈન હાઇવે ઉપર લાખણી નજીકથી પસાર થતી સુજલામ સુફલામ્ કાચી કેનાલ ઉપર સ્થાનિક આગેવાનો અને લોકોની માંગણીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ડબલ લાઈન પુલને ચાર લાઈન વાળો પુલ બનાવવાની મંજૂર આપવામાં આવી હતી. જેનાં ભાગરૂપે સ્ટેટ હાઇવે ઓર્થીરીટી દ્વારા અંદાજિત દોઢ વર્ષ પહેલાં પુલ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
જેમાં બે ત્રણ મહિના પાયાની કામગીરી ગોકળગતિએ કરવામાં આવી હતી. ત્યાર બાદ છેલ્લા આઠ દસ મહિનાથી કામગીરી બંધ હાલતમાં જોવા મળી રહી છે તેમજ પુલની કામગીરી પૂર્ણ નહિ થતા સુજલામ સુફલામ્ કાચી કેનાલમાં પાણી છોડવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે લાખણીથી જસરા, ગેળા, ગણતા સહિતના ગામો સુધી કેનાલનું પાણી પુરતા પ્રમાણમાં પહોંચી રહ્યું નથી. જેને લઇ ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે તેમજ ફોર લાઈન હાઇવે ઉપર મુસાફરી કરવામાં પણ બે લાઈન વાળા પુલના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે તો આ બાબતે રોડ ઓર્થોરીટીનાં અધિકારી ઓફિસ છોડી સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરાવે એવી સ્થાનિક લોકોની ઉગ્ર માંગ ઉઠી છે.