મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરી છે. ખેરાલુ મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદાર ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતાને લાંચ લેતા પકડી પાડ્યા છે. આરોપી અધિકારી સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓ પાસેથી માસિક રૂ.1000થી રૂ.5000 સુધીનો હપ્તો વસૂલતા હતા. જો વેપારીઓ હપ્તો ન આપે તો તેમને બિનજરૂરી નોટિસો મોકલી હેરાન કરવામાં આવતા હતા.
એસીબીને મળેલી બાતમીના આધારે એક જાગૃત નાગરિકની મદદથી ડિકોય ગોઠવવામાં આવ્યું હતું. આરોપીએ બે માસના હપ્તા પેટે રૂ. 10,000ની લાંચની માગણી કરી હતી. લાંચની રકમ સ્વીકારતા જ તેમને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં હતા. આ કાર્યવાહી મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ચાવડાના નેતૃત્વમાં કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.