પાટણ શહેરમાં આગામી દિવસોમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસે શાંતિ સમિતિની બેઠક તેમજ ફલેગ માચૅ યોજી મોટી કવાયત હાથ ધરી છે. આગામી દિવસોમાં પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન ની જન્મ જયંતી મહોત્સવ,રમજાન ઈદ,રામ નવમી અને ચેટીચંદ જેવા મહત્વપૂર્ણ તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી શુક્રવારે સાંજે એ- ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી.
આ શાંતિ સમિતિ ની બેઠક પૂણૅ થયા બાદ સિધ્ધપુર ડીવાયએસપી પંડયાની આગેવાનીમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં મોટી સંખ્યામાં વિવિધ વિભાગોના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. જેમાં 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 12 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, કમાન્ડો ફોર્સના 20 જવાનો અને 100 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ ફ્લેગ માચૅ મામલે ડીવાયએસપી પંડયાએ જણાવ્યું હતું કે ફ્લેગ માર્ચ બાદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે. આમાં કોમ્બિંગ ઓપરેશન, ધાબા ચેકિંગ અને હોટલ ચેકિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. આ પગલાંથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેશે અને નાગરિકો તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરી શકશે.