કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા કે પાટણમાં સમાવેશની માંગ: બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં નવા વાવ -થરાદ જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરાતા કાંકરેજ તાલુકાની પ્રજામાં ભારે આક્રોશ છવાયો છે. જેમાં કાંકરેજના મુખ્ય મથક શિહોરી ખાતે કાલે આવેદનપત્ર બાદ આજે તા. 02/01/2025 ના રોજ઼ ફરી બે બે વખત મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.તેમજ વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
તાજેતરમાં ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ- થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. જેમાં કાંકરેજ તાલુકાનો વાવ- થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાના કારણે તાલુકા મથક શિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો.જેને લઇને ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.તેમજ વેપારીઓએ પણ સ્વયંભૂ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. કાંકરેજની પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો કારણ બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે. જો વાવ-થરાદ જિલ્લાની વડી કચેરી થરાદ ખાતે રાખવામાં આવે તો વહીવટી કામ -કાજ માટે જવા-આવવા માટે તકલીફો પડી શકે તેમ છે તેમજ કાંકરેજની જનતા કાયમી પાલનપુરથી વાકેફ હોઈ કાંકરેજની પ્રજા માટે બનાસકાંઠા જ યોગ્ય છે અન્યથા નજીકના પાટણ જિલ્લામાં સમાવેશ કરો. જેને લઇ કાંકરેજ મામલતદારને શિહોરીનાં વેપારી મંડળ તથા તમામ સંગઠનોએ સાથે મળી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને આંદોલનની પણ ચીમકી આપી હતી.
ધારાસભ્યનો વિરોધ, જિલ્લા ભાજપ પ્રમુખની ખાતરી: કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ નોંધાવ્યો હતો. તેમણે થરાદને નવો જિલ્લો બનાવતા સરકારનાં નિર્ણય આવકાર્યો હતો પરંતુ થરાદ વડી કચેરી કાંકરેજની પ્રજા માટે અટપટી હોઈ કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા સરકારને અપીલ કરી હતી.જ્યારે પૂર્વ શિક્ષણ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ કાંકરેજની પ્રજાની લાગણી મુજબ સરકારમાં રજુઆત કરી કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટે તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.