મન ઉપર વિશ્વાસ નહીં અંકુશ રાખો.
આત્મા એ મનનો સાક્ષી છે, દૃષ્ટા છે. જે દિવસે મન શુદ્ધ છે, એવી સાક્ષી આત્મા આપે તે દિવસ માનજાે કે તમે સંત છો
ભક્તિ-શક્તિ-આસ્થા-શ્રધ્ધા જ માનવીને દિવ્ય જયોત તરફ લઇ જાય છે. ભારતીય સંસ્કૃતિએ એવું નિર્માણ કર્યું છે કે માનવીએ પ્રમાણે જીવન જીવવા માટે પ્રયત્ન કરે તો તે ક્યારેય દુઃખી ન થાય. ભકિત વિનાના જ્ઞાનની શોભા નથી. જે જ્ઞાન-વૈરાગ્યથી દૃઢ થયેલું નથી, ને મરણને સુધારવાને બદલે મરણને બગાડે એવો સંભવ છે. અંતકાળે આવું જ્ઞાન દગો આપે. મરણને સુધારે છે કેવળ ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે અને તે મરણને બગાડે છે. વિધિ નિષેધની મર્યાદાથી પર બનેલા મોટા-મોટા ઋષિઓ-મહર્ષિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગણોના વર્ણનમાં સદારત રહે છે એવો છે ભક્તિનો મહિમા. જ્ઞાનીને અભિમાન પજવે છે, ભક્તને નહી. ભક્તિ સદગુણોને લાવે છે. ભક્તિ સર્વગુણોની જનની છે. ભક્ત નમ્ર હોય છે. ભક્ત વિનિત હોય છે. જે કથા પાપ છોડાવે અને જાગૃત કરે તે સાચી ભાગવત કથા. માટે ફરીફરી કહું છું કે, ભગવાનની કથા અને ભગવાનના સ્મરણથી હૃદયને આર્દ્ર બનાવો. તેના મંગલમય નામનો જપ કરો. આ કળિયુગમાં મુક્તિ પામવાનો માર્ગ છે. વિષયોનું બંધન મનુષ્ય છોડે, તો જ મનને સાચા આનંદનું સુખ મળે છે. સંયમ અને સદાચારને ધીમેધીમે વધારતાં જજાે. ભક્તિમાં આનંદ આવશે. આચાર-વિચાર શુદ્ધ હશે, ત્યાં ભક્તિને પુષ્ટિ મળશે. જીવન વિલાસમય થયું એટલે જ ભક્તિનો વિનાશ થયો છે. ભાગવત શાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવે છે, મનુષ્યને સાવધાન કરે છે. કાળના મુખમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રીકૃષ્ણને શરણે જાવ. જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે કરે છે.
પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના ટોણાં સાંભળી પ્રતિજ્ઞા કરે છે કે, આવતીકાલે હું અર્જુનને મારીશ અથવા હું મરીશ, આથી બધા ગભરાયા. કારણ ભીષ્મ પ્રતિજ્ઞા એટલે શું તે બધા જાણતા હતા. શ્રીકૃષ્ણ ભગવાનને પણ ચેન નથી. રાત્રે નિદ્રા ન આવી અત્યારે અર્જુનની શું હાલત થશે એવો વિચાર આવતાં તેઓ અર્જુનના તંબૂમાં ગયા. જઇને જુએ છે તો અર્જુન તો શાંતિથી ઊંઘતો હતો. ભગવાને વિચાર્યું કે, ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે, છતાં આ શાંતિથી સૂતો છે. તેમણે અર્જુનને જગાડીને પૂછ્યું, તે ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી. અર્જુન કહે. હા સાંભળી શ્રીકૃષ્ણ કહે, અને છતાં તું આમ નિરાંતે ઊંઘે છે ? તને મૃત્યુની બીક નથી, ચિંતા નથી ? અર્જુન કહે, મારી ચિંતા કરનારો જાગે છે, એ જાણું છું એટલે હું નિરાંતે ઊંઘું છું. તે મારી ચિંતા કરશે. હું શા માટે ચિંતા કરું ? અર્જુનની પેઠે બધું ઈશ્વર પર છોડો. મનુષ્યની ચિંતા જ્યાં સુધી ઈશ્વરને માથે ન છોડાય, ત્યાં સુધી તે નિશ્ચિંત થતો નથી. પ્રથમ સ્કંધમાં અધિકાર કથા કહી છે. અધિકાર સિદ્ધ થાય તો સંત મળે છે. અધિકાર વિના સંત મળે, તો તેના તરફ સદભાવ જાગતો નથી. સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી પ્રભુ કૃપા થશે નહીં. મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળશે નહીં. સંત થશો તો સંત મળી આવશે. કેમ જાેવું તે શીખવે એ સંત. સંત જાેવાની દૃષ્ટિ આપે છે. સંસારના પદાર્થને જાેવામાં આનંદ છે, ભોગવવામાં નથી. સંસાર એ ઈશ્વરનું સ્વરૂપ છે. તેથી જગતને ઈશ્વરમય નિહાળો, મહાપ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું છે કે, જેના દર્શનથી શ્રીકૃષ્ણ યાદ આવે તે વૈષ્ણવ. જેના સંગથી પ્રભુ યાદ આવે તે વૈષ્ણવ. શ્રીકૃષ્ણ-શુકદેવના દર્શનથી અપ્સરાઓમાં વૈરાગ્ય આવ્યો હતો અને શ્રી કૃષ્ણકથા પાછળ તેઓ પાગલ બની હતી. એનું નામ સંતદર્શન. એવા સંતો જગતમાં છે. સદ્ગુરુનો અભાવ નથી પણ સશિષ્યનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સંત પુરૂષ મળી આવે છે. મનુષ્ય સંત બને છે ત્યારે તેને સંત મળે છે.જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે. સંતોમાં પણ એકાદ દોષ રહેલો હશે. આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી છે. જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી. સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ અને ગુણ પણ છે. દૃષ્ટિને એવી ગુણમય બનાવજાે કે, કોઇના દોષ દેખાય નહી. તમારી દૃષ્ટિ ગુણદોષથી ભરેલી હશે ત્યાં સુધી સંતમાં પણ તમને દોષ દેખાશે. માટે જ્ઞાનદષ્ટિથી જુઓ. બધું જગત બ્રહ્મમય દેખાશે. જેની દૃષ્ટિ ગુણમય છે તે જ સંત છે. અભિમાન આવે એટલે પતન થાય છે. સતત દીનતા આવે એ જરૂરનું છે. મા બાળક ને શણગારી બીજા લોકોની નજર ન લાગે એટલા માટે તેના ગાલ ઉપર મેસનું ટપકું કરે છે તેમ કદાચ ઈશ્વર પણ સંતોમાં તે ભક્તોમાં એકાદ દોષ રાખતો હશે. મનુષ્યમાં કોઈ દોષ ન રહે તો તેના મનમાં અભિમાન આવી જાય. માટે કોઇના દોષ જાેશો નહી. કોઇના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી તેનો ઉચ્ચાર કરશો નહી. ઘર છોડવાથી સંત થવાય છે એવું નથી. ઘરમાં રહીને સંત થઈ શકાય છે. ઘરમાં રહીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. તુકારામ મહારાજ, એકનાથ, ગોપીઓ વગેરેએ ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવાં કપડાં પહેરવાથી સંત થવાતું નથી. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે તેને શુકદેવજી મળ્યા.
માનવજીવનનું લક્ષ્ય શું ? પરમાત્મા. પરમાત્માનું દર્શન મિલન. સંસારમાં જે આ લક્ષ્યને યાદ રાખે તે સંત. પ્રતિક્ષણે જે સાવધાન તે સંત.
જેણે પોતાનું મન સુધાર્યું એ સંત છે. મનને સુધારશો તો તમે સંત થશો. મનને સુધારવાની જરૂર છે. જગત બગડ્યું નથી, આપણું મન બગડ્યું છે. મન ઉપર વિશ્વાસ ન રાખશો. મન ઉપર અંકુશ રાખો. આત્મા એ મનનો સાક્ષી છે, દૃષ્ટા છે. જે દિવસે મન શુદ્ધ છે, એવી સાક્ષી આત્મા આપે તે દિવસ માનજાે કે તમે સંત છો. મૃત્યુના સ્મરણથી મન સુધરે છે. મૃત્યુના વિસ્મરણથી મન બગડે છે. વાચક ચાહક મિત્રો આપણે મન શુદ્ધિકરણ માટે સારૂ વાંચન થાય તેવા પ્રયત્નો કરવા છે. અને આ લેખમાળાનો ઉદ્દેશ કોઇ જાતની પ્રસિદ્ધિ માટે નથી પણ એક નવી ચેતના જગાડવા નાની ચીનગારી રૂપે છે કયાંક પ્રિન્ટ કે અન્ય કોઇ જાતની ભૂલ ધ્યાને આવે તો સુધારી વાંચવી. સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે અસ્તુ.
લેખક- યશપાલસિંહ ટી વાઘેલા
થરા