બુદ્ધિમાન ઉંદર
એક જંગલ હતુ અને આ જંગલમાં બધા જ પ્રાણીઓ સંપથી રહેતા હતા. જંગલમાં રાજા જેવી કોઈ વાત જ નહોતી. સિહ અને બકરી એક જ ઘાટ પર પાણી પીતા હતા. અનેક નદીઓ આ જંગલમાંથી પસાર થતી હતી.
એકવાર ઉનાળામાં તીવ્ર ગરમી પડી.નદીની સાથે પાણીના બધા જ સ્ત્રોત સુકાઈ ગયા. વનમાં હાહાકાર મચી ગયો. બધા પાણીની શોધમાં ચારે બાજુ ચાલવા લાગ્યા. આ જંગલમાં એક હાથીઓની ઝુંડ રહેતું હતું. સૈાથી વધુ તકલીફ હાથીઓને પડી. એક તો ભારેખમ શરીર અને શરીરને દઝાડતી ગરમી તથા પાણીનું નામોનિશાન નહી.
હાથીઓનો એક સરદાર હતો. એને ખુબ જ ચિંતા થઈ. પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે ? ન્હાવાનું તો દુર પીવાનું પાણી મળવું પણ મુશ્કેલ હતું. ત્યારે એક હાથીએ આવીને કહ્યું કે ‘ સરદાર મને પાણીની ખબર મળી ગઈ છે કે કયાં મળશે ?’
હાથીની વાત સાંભળીને સરદારને હાશ થઈ. સરદાર પોતાની સાથે હાથીઓના ઝુંડને લઈને જે હાથીએ પાણી હોવાની સુચના આપી હતી તેની પાછળ સૈા હાથીઓ કૂચ કરવા લાગ્યા.
બધા હાથીઓ પાણીના સ્ત્રોત તરફ આગળ વધવા લાગ્યા. લાંબી થકાવી દે તેવી યાત્રા કરીને તેઓ એક વિશાળ પાણીના તળાવ પાસે પહોંચ્યા પાણી જાેતાં જ બધા હાથીઓ ચીચીયારી કરતા આનંદથી ઝુંમી ઉઠયા. બધા પાણી જાેઈને તે તળાવમાં કૂદી પડયા.
આ તળાવના કિનારે આવેલા વૃક્ષોના મુળમાં ઘણા બધા ઉંદરો પોતાના દર બનાવી રહેતા હતા.હાથીઓના ભારેખમ પગ પડવાથી તેમના ઘણા બધા દરો ભાગી ગયા અને અનેક ઉંદરો હાથીના પગ નીચે આવીને મૃત્યુ પામ્યા. જેઓ બચ્યા હતા તેઓ વિચારવા લાગ્યા કે આ હાથીઓથી પ્રાણોની રક્ષા કેવી રીતે થશે.
એક ઉંદર બોલ્યો, ‘‘શા માટે આપણે હાથીઓની સરદાર પાસે જઈને પ્રાર્થના કરીએ કે હાથીઓ પોતાનો માર્ગ બદલી નાંખે . ’’
ઉંદરનો પ્રસ્તાવ સાંભળીને ઉંદરોનો સરદાર હાથીઓના સરદારને મળવાને માટે ગયો, ત્યા જઈને તેણે હાથીઓના સરદારને કહ્યું, રાજાજી, અમારો પરિવાર સમાજ સાથે ઘણા વરસોથી અહીયા રહીએ છીએ. અમારા બાપદાદાના ઘરો આવેલા છે.જયારે તમારૂં ઝુંડ અહીથી પસાર થાય છે ત્યારે અમારા ઘણા ઘરો તૂટી ગયા અને ઘણા બધા ઉંદરો હાથીઓના પગ નીચે આવીને મરી ગયા છે. અમારો તમને અનુરોધ છે કે તમે તમારો માર્ગ બદલીને જાવો તો અમે બેમોત મરવામાંથી બચી જઈએ.અમે નાના જરૂર છીએ પણ વખત આવતા અમો તમને જરૂર કામમાં આવીશું .
એક નટખટ હાથી બોલ્યો, આ નાનકડા ઉંદર અમારા શુ કામમાં આવવાના છે.પરંતુ હાથીઓનો સરદાર દયાળુ અને સમજદાર હતો. તેણે કહ્યું, તમે જરા પણ ચિંતા ના કરતા, હું અમારા હાથીઓને તેમનો રસ્તો બદલવાની આજ્ઞા આપું છું. જતા જતા ઉંદરોના સરદારે હાથીઓના સરદારનો આભાર માન્યો અને કહ્યું કે, જયારે પણ અમારી જરૂર પડે ત્યારે અમને જરૂર બોલાવજાે. આટલું બોલીને તેઓ પાછા ફર્યા.
આ વાતને ઘણો સમય વીતી ગયો. એક દિવસ જંગલમાં કેટલાક શિકારીઓએ આવીને પોતાની જાળ બિછાવીને હાથીઓને પકડવાનો પેંતરો રચ્યો. હંમેશાની જેમ હાથીઓ પોતાની મસ્તીમાં તળાવ તરફ જતા હતા ત્યાં જ એક હાથીનો પગ શિકારીએ ગોઠવેલા ફંદામાં ફસાઈ ગયો. તે જેમ બહાર નીકળવાનો પ્રયાસ કરતો તેમ તેમ તે વધુને વધુ ફસાતો ગયો. તે ચીસો પાડવા લાગ્યો થોડીવાર પછી શિકારી આવીને હાથીને પોતાની સાથે લઈ ગયો. સરદારની સાથે હાથીઓ પણ ઉદાસ અને નિરાશ થઈ ગયા.
શિકારી હાથીને લઈને જંગલમાં આવેલ એક સ્થળ પર બાંધી દીધો.
હાથીઓના સરદારે ઉંદરોના સરદારને ખબર પહોંચાડી કે એક હાથીને શિકારીએ પકડયો છે.ઉંદરના સરદારે તરત જ પોતાના ઉંદરોને લઈને જયાં હાથીને બાંધ્યો હતો,ત્યાં આવ્યા જાેતજાેતામાં ઉંદરોએ હાથીને બાંધેલા દોરડાને કાપીને હાથીને મુકત કરાવ્યો.આ એજ હાથી હતો. કે જેણે ઉંદરને તુચ્છ ગણ્યો હતો. તે શરમનો માર્યો ઉંદરના સરદારનો આભાર માન્યો.
કમલેશ કંસારા મુ.અમદાવાદ