મધુવન
મળતું નથી ઘણાને બે ટાણામાં એટલું, એક ટંકમાં તું જેટલું નાખે છે ચાટમાં
કવિ શ્રી વિકી ત્રિવેદી ના આ શે‘રમાં એક વરવી વાસ્તવિકતાનું ચિત્ર છે. સમ્રગ જીવસૃષ્ટિ માટે અહીં ભોજનની વ્યવસ્થા થઇ છે. જેમ કીડીને કણ મળી રહે છે એમ જ હાથીને મણ મળી રહે છે. નવજાત શિશુમાટે માના સ્તનમાં એના ખોરાકની વ્યવસ્થા થઇ છે. જગતના બહુ ઓછા જીવ છે જે કાલની ચિંતા કરીને આજનું ભોજન , ખોરાક કે અનાજ બચાવીને રાખતું હોય. પક્ષીઓ આજીવન પોતાની જરૂરિયાત જેટલું જ ચણી લેતાં હોય છે એમને કોઇ કોઠારો બનાવવાની જરૂર જણાઇ નથી. છતાં પણ ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ભાગ્યેજ કોઇ પશુ પક્ષી કે જીવજંતુ ભૂખ્યું મર્યું હોય કે વધુ પડતું ખાઇ ખાઇને બેડોળ અદોદળું કે સ્થૂળકાય બની ગયું હોય જો કે આમાં પાળેલાં જનાવર કે માણસના સંપર્કમાં આવેલાં જીવો અપવાદ છે. કુદરતી આપદા વખતે ક્યારેક જીવો મરણને શરણ થયા હશે પણ ભૂખથી મરી જવાના દાખલા બહુ ઓછા મળશે. અને આવું ક્યાંય જોવા મળે તો પ્રત્યક્ષ યા પરોક્ષરીતે એમાં માનવીનો હસ્તક્ષેપ હોઇ શકે છે. આથી કવિ કહે છે કે ઘણા લોકો એટલું અનાજ કે ખોરાક બગાડે છે કે એમાંથી ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ આરામથી ઠારી શકાય. એથી ઉલટું એમ પણ કહી શકાય કે ઘણા લોકો ભોજનને વેડફે છે આથી જ કદાચ કેટલાંક લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવે છે.
પરાર્ધો, શંકુઓ, ખર્વો-નિખર્વો પણ મળી રહે છે બધું છે શક્ય અહીંયા એક-બે ત્રણ મળી રહે છે,
તમે માણસ થયા છો એટલે છે આ સમસ્યા, છે ક્યાં કોઇ ફિકર પંખીઓને તો ચણ મળી રહે છે
ગઝલકાર શોભિત દેસાઇના આ શબ્દોમાં પણ એ જ વાત વ્યક્ત થઇ છે. માત્ર માનવી સિવાય આ વિશ્વમાં ભાગ્યેજ કોઇ જીવને આટલી દોડધામ અને ચિંતા જોવા મળે છે. માનવીને સાત પેઢીનું ભેગું કરીને મરવું છે. લોકો જીવવા માટે ખાતા નથી, પરંતુ ખાવા માટે જીવતા હોય છે. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું છે કે એકલી સ્ત્રી ખાય, અને એકલો પુરુષ પીએ. પોતાનો ખાલીપો ભરવા માટે લોકો કશુંક ભરી લેવા માંગે છે આથી જ દુઃખી લોકો ગરીબ લોકો થોડા શ્રીમંત લોકોની તુલનાએ વધારે ભોજન લેતા હોય છે. ગરીબના બાળકોના પેટ મોટાં હોય છે અમીરનાં બાળકોનાં પેટ નાનાં જોવાં મળે છે. ઉંમર વધવાની સાથે આ સ્થિતિ ક્યારેક ઉલટી થઇ જતી પણ જોવા મળે છે. ભોજન કેટલું લેવું જોઇએ એના વિશે અનેક મજેદાર વાતો છે એમાં એક વાત સૌએ સાંભળી હશે કે એકવાર પૃથ્વીપરના લોકોએ ભેગા મળીને નંદી પાસે ફરિયાદ કરી કે અમને ખબર નથી પડતી કે કેટલી વાર ખાવું ? તો એનો જવાબ શંકર પાસેથી લઇને લોકો પાસે જવા નીકળેલો નંદી મનમાં ને મનમાં દોકરાવતો દોહરાવતો ચાલતો હોય છે કે ત્રણ વાર ના‘વું , એક વાર ખા‘ વું. એમ વારંવાર ગણગણતો વાગોળતો નંદી ભૂલી જાય છે ને લોકોને આવીને કહે છે કે ત્રણ વાર ખા‘વું એકવાર ના‘વું.
મેળ જો ખાય તો રાંધીશું ખીચડી , એકલા મગ વિશે વાત શું માંડવી !
વારિજ લુહાર ના લુહારના આ શબ્દોમાં એ જ ભોજનની વાત છે. પરંતુ માનવીએ કેટલું ખાવું જોઇએ ? ક્યારે ખાવુંજોઇએ ? કેમ ખાવુંજોઇએ ? એના વિશે પણ આપણા ઋષિઓએ પહેલેથી ખૂબ સરસ નિયમો અને વાતો શીખવેલી છે. આંખે ત્રિફળા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ, મતલબ કે ત્રીજા ભાગનું પેટ ખાલી રહે એટલું જમવું જોઇએ. ક્યારે ખાવું જોઇએ એનો જવાબ માત્ર એટલો જ છે કે ભૂખ લાગે ત્યારે અને એવું કહેવાય છે ને કે એક કોળિયો બત્રીસ વખત ચાવીને ખાવો જોઇએ. મતલબ કે ખૂબ ચાવીને જમવું જોઇએ. પાણીને ખાઓ અને ખોરાકને પીઓ. ટી.વી. મોબાઇલ છાપું કે વાતો કરતાં– કરતાં ન જમવું જોઇએ. શક્ય હોય તો સૌએ સાથે મળીને જમવું જોઇએ. કેમકે જેના અન્ન નોખાં એનાં મન નોખાં. ભોજનને પ્રસાદની જેમ આરોગવું જોઇએ ભાવ સાથે આભારવશ આનંદ સાથે ગ્રહણ કરવું જોઇએ. કેમકે શોભિત દેસાઇ પોતાના એક શે‘ર માં કહે છે એમ શું જમો છો એના કરતાં કેવી રીતે જમો છો એ મહત્વનું છે જુઓ શોભિત નો આ શે‘ર બત્રીસે પકવાન અળગાં કરી , પ્રેમ તાંદળાજાની ભાજી થઇ ગયો.
મળે તો ખરીદી લે છે ખુશી થઇને પ્રજા સડેલું અનાજ આજે
કુતુબ આઝાદનો આ શે‘ર ખલીલ ધનતેજવીની પ્રખ્યાત ગઝલની યાદ અપાવે છે કે “અપને ખેતો સે બિછડને કી સજા પાતા હૂં, મૈં આજ રાશન કી કતારો મેં નજર આતા હૂં“. ઘણીવાર છાપામાં વાંચીએ છીએ કે લાખો ટન અનાજ નો જથ્થો સડી ગયો, બગડી ગયો, તણાઇ ગયો, ચોરાઇ ગયો ત્યારે ખરેખર દુઃખ થાય છે એક બી પેદા કરવા માટે ખેડૂત કેટકેટલી ઠંડી– તાપ વરસાદ વેઠે છે. લોહીનું પાણી કરીને પકવેલો પોતાના પરસેવાની કમાણી જ્યારે સરકારના ગોડાઉનો સડી જાય છે ત્યારે સાચે જ આખી ખોખલી વ્યવસ્થા પર સવાલ થાય છે. લોકોની શહેરીકરણની દોટ પણ આના માટે જવાબદાર છે નગર નામનો બહુ ભૂખ્યો અજગર નાના નાના ગામડાંઓની રોજેરોજ પાંચ –પંદર હેક્ટર જમીન ખાતો રહે છે અને લંબાતો રહે છે. અને પ્રજા સડેલું અનાજ ખાવા કે દવા વાળું ઝેરી ખાવા મજબૂર બનતી જાય છે.
કોણ એના શત્રુ છે ને મિત્ર અહીંયા,
સૌ જુએ છે દીધેલી દાવત ઉપરથી
ભરત વિઝુંડાના આ શે‘રમાં દાવત પરથી દોસ્ત દુશ્મનના અનુમાનની વાત છે. ભોજન વિષે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બી.કે શિવાનીની એક સુંદર વાત યાદ રાખવા જેવી છે. જેવું ધન એવું અન્ન અને જેવું અન્ન એવું જ આપણું મન અને જેવું મન એવું આ તન. ખોટા રસ્તેથી આવેલું ધન એની સાથે એ એનર્જી લઇને જ આવે છે આથી ગમે તેવો ખોરાક શુધ્ધ ના રહી શકે. જે ધન કમાવવામાં કોઇનું લોહી, શોષણ, નિસાસા, નિરાસા, આંસુ , મજબૂરી હોય એવા ધનમાંથી આપણે આપણા બાળકને મહાન બનવવાના સ્વપ્નો જોતા હોઇએ તો એ કાદચ ખોટું છે. તો સૌ પ્રથમ શુધ્ધિના સાધનોથી કમાવવનો આગ્રહ રાખો. અથવા પોતાના અને પરિવાર જેટલી જાતે ખેતી કરી લો. મહાન અભિનેતા નાના પાટેટકર આ રીતે પોતાની જરૂરિયાત મુજબ ખેતી કરી લે છે એવું સાંભળ્યું છે. જમવાનું બનાવનારનું અને પીરસનારનું મન શાંત હોય, પ્રાર્થનાપૂર્ણ હોય તો જ આપણો આહાર પ્રસાદ બની રહે છે. અને એના પરથી જ આપણા મન અને છેવટે તન નું નિર્માણ થાય છે. આથી ખાસ યાદ રાખો જેવું ધન એવું અન્ન, જેવું અન્ન એવું મન અને જેવું મન એવું તન. અથવા તો જેવું તન એવું મન એમ પણ કહી શકાય.
ધરાવો નહિ છતાં એ થાળ ઇશ્વરને પહોંચે,
કોઇ ભૂખ્યાને જો ક્યારેય ભોજન ધરાવ્યું હોય
સંદીપ પૂજારાના આ શે‘રમાં ઇશ્વર સુધી ન પહોંચતા થાળની વાત છે. જ્યાં સુધી આપનો પાડોશી કે પરિવારજન ભૂખ્યો હોય અને આપ બત્રીસ પકવાન પ્રભુને અર્પણ કરો તો એ ક્યારેય એના સુધી પહોંચવાના નથી. આથી જ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે જો તમારો પડોશી ભૂખ્યો હોય તો મંદિરમાં પ્રસાદ ચઢાવાવો એ પાપ છે. ઘણા ભિખારીઓ મંદિરની બહાર ભૂખ્યા બેઠા હોય ત્યારે મંદિરનો ભગવાન થાળ જમતો હશે. કોઇ મા ક્યારેય એના બાળકો પહેલાં જમી છે ? મસ્જિદની અંદર ચાદરો ચડતી રહે અને બહાર ફકીરો ઠંઠીમાં ઠૂંઠવાતા હોય એ વળી ક્યા ભગવાનને ગમે ? ભોજનમાં ભાવ હોવો ખૂબ જ જરૂરી છે જુઓ સ્નેહી પરમાર નો આ શે‘ ર “મા તેં રાંધેલું હું થોડું ચાખી લઉં ? , મારે પણ આંગળીઓ મીઠી કરવી છે” મા જ્યારે બાળકને ખવડાવતી હોય ત્યારે જે એનું ચિત હોય છે એવું જ બાળક બને છે. ભોજનમાં શું લો છો એ બહુ મહત્વનું નથી. કેવી રીતે લો છો એ ખૂબ જ અગત્યનું છે. જુઓ ભાવિન ગોપાણીનો આ શે‘ ર– આજે જમાડનારનું ખુલી ગયું નસીબ , થોડાં ગરીબ બાળ પધાર્યાં , જમી ગયાં . તો હરકિશન જોષીના આ શબ્દો જુઓ થાળીએ બેસીને વાલમ વાંચતો, હાથની રેખા જે ઊપસી ભાખરીમાં .
રોજ કંઇને કંઇ મને ના ભાવતું પિરસ્યા કરે,
ઓ પ્રભુ પ્ન બદલાવને આ લૉજ થાકી જાઉં છું
હિમલ પંડયા “પાર્થ“ના આ શબ્દોમાં પ્રભુને પ્રાર્થના છે. ભોજન વિશે સેનેકા નામના ચિંતક કહે છે કે જો વધારે બીમારી માટે આશ્ચર્ય થતું હોય તો તમારું રોજિંદુ ભોજન જોખી લેવું. સંત તિરુવલ્લુરરે કહ્યું છે કે પોતાની ભૂખ સહેનારા તપસ્વીની શક્તિ કરતાં બીજાની ભૂખ મટાડનાર દાનીની શક્તિ વધારે હોય છે. ભૂખ વગર ફરજિયાત ભોજન કરવું પડે એ સજા જેવું લાગે. ભૂખન હોય ને ભોજન ના મળે એથી મોટી સજા છે. એક સુભાષિતમાં ખૂબ સમજવા લાયક વાત કરી છે કે દરિદ્ર વ્યક્તિ જે પણ ખાય એ એના માટે ઉત્તમ ભોજન બનીએ રહે છે. કારણ કે ભૂખને લીધે ખાય છે. સ્વાદ ઉતપન્ન કરનારી એ જ ભૂખ ધનિકો માટે દુર્લભ છે. પોતાના એક પ્રવચનમાં આચાર્ય રજનીશ કહે છે કે જો માણસ જે જમે છે એનાથી જમવાનું અડધું કરી નાખે તો મોટાભાગના દાકતરો જ ભૂખ્યે મરી જાય. છેલ્લે હરબન્સ પટેલ ના આ શે‘ ર સાથે સમાપન કરીએ
રોટલો, મરચું ને માખણનું શિરામણ ચાલશે,
સામે બેસી તું હશે તો ગોળનો છે ગાંગડો