સાચી પ્રાર્થના
એક ગામમાં એક તળાવ આવેલું હતું. આ તળાવ ઘણું જ ઉંડુ હતું. આ પાણી ગરમીમાં પણ સુકાતું નહોતું. આ તળાવમાં રંગબેરંગી માછલીઓ અને દેડકાં રહેતા હતા. ગામના લોકો પણ તળાવમાં રહેતા જળચરને કયારેય મારતા નહોતા પરંતુ માછલીઓને ખાવાને માટે લોટનીગોળીઓ બનાવીને તળાવમાં નાખતા હતા. આ તળાવમાં માછલીઓ અને દેડકાંઓને ખુબ જ શાંતી મળતી હતી.
એક વાર વર્ષાઋતુમાં પાણી ના વરસ્યું સમય જતાં તળાવનું પાણી ધીરે ધીરે સુકાવા માંડયું. દેડકાં અને માછલીઓને ચિંતા થવા લાગી. તળાવનું પાણી એટલું બધું ઓછું થઈ ગયું કે સૂર્યની ગરમીથી નીચેની સપાટીનું પાણી પણ ગરમ થવા માંડયું. ગરમ પાણીથી માછલીઓ અને દેડકાંઓને ખુબ જ પીડા થતીહતી.
એક દિવસ તળાવના કીનારે આવેલા પીપળાના ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ આવી ગરમીમાં રાહત મેળવવાને માટે ઠંડા પ્રદેશોની તરફ ભાગવા લાગ્યા. દેડકાના કેટલાક ઝુંડો પણ ઉછળકુદ કરીને જવાની તૈયારી કરવા લાગ્યા પરંતુ માછલીઓ કયાં જતી ? કેવી રીતે જતી ? બે દિવસમાં તો તળાવનું પાણી સુકાઈ ગયું.
તળાવમાં એક દેડકો હતો. તે કયાંય ના ગયો.એના સાથીદારોએ એને પુછયું કે દેડકાભાઈ, કેમ તમે આ તળાવ છોડીને ના ગયા ?’
દેડકાએ જવાબ આપતાં કહ્યું, મિત્રો મને મારી જન્મભૂમિ અત્યંત પ્યારી છે. મેં આ તળાવમાં જન્મ લીધો છે અને અહીંયા જ રમીગણીને મોટો થયો છું. સુખ દુઃખમાં લોકોએ મને સાથ આપ્યો છે. તો પછી હું આ તળાવને કેવી રીતે છોડી શકું ? અને માછલીઓની સાથે જ મોટા થતાં દેડકાંએ અમને છેક સુધી સાથ આપવાનું વચન પણ આપ્યું.
ત્યારે માછલીઓ બોલી ઉઠી, દેડકાભાઈ અમે તો મજબુર છીએ અમે તો તમારી જેમ ઉછળકુદ કરીને જઈ પણ શકતા નથી અને પક્ષીઓની જેમ ઉડી પણ શકતી નથી.
દેડકાએ કહ્યું, હું તમારા લોકોનો સાથ છોડીને કયારેય પણ નહીં જાઉં.. બધા દિવસો સરખા નથી રહેતા. દુઃખના દિવસો આવે છે પરંતુ કેટલાક દિવસો બાદ સુખનો સુરજ પણ ઉગે છે. આપણે ઈશ્વર પર વિશ્વાસ કરવો જાેઈએ તે ખુબ જ દયાળુ છે. સૃષ્ટીના દરેક જીવ પર એની કૃપા વરસે છે એક દુઃખીની પ્રાર્થનામાં ઘણો જ પ્રભાવ જાેવા મળે છે.
દેડકાની સાંજના સમયે બધી જ માછલીઓને એક સ્થાન પર ભેગી કરી. બધાએ સાથે મળીને ઘણા સમય સુધી પ્રાર્થના કરી. બધાના મનમાં એ આશા હતી કે, એમની પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળશે.જે સમયે દેડકા અને માછલીઓમાં આ વાત થઈ રહી હતી. ત્યારે ગામમાં રહેતો એક બાળક કે જેનું નામ મોહન હતું તેણે આ બધું સાંભળ્યું. તે તરત જ દોડતો ગામમાં ગયો અને તેણે બધી વાત ગ્રામજનોને કરી.ગામના લોકોને મનમાં થયું કે કેવો પ્રેમ છે, આ જીવજંતુઓને પોતાની જન્મભૂમિને માટે અને આપણે માનવી પોતાના સ્વાર્થ માટે કોઈની પણ પરવા કરતાં નથી.
આવો આપણે બધાં ભેગા થઈને ઈશ્વરને પ્રાર્થના કરીએ. ગામના લોકોએ સાચા મનથી ઈશ્વરને પ્રાર્થના કરી અને કેવા સંયોગ બન્યા એ જ દિવસે આકાશમાં કાળા વાદળાં આવી ચઢયા અને મુશળધાર વરસાદ વરસ્યો. ગામનું તળાવ છલોછલ ભરાઈ ગયું ગામના લોકો આનંદથી નાચવા લાગ્યા. તળાવમાં માછલીઓ અને દેડકાનું મન હર્ષથી નાચી ઉઠયું.
માટે કહેવાય છે કે માતૃભૂમિથી વધીને બીજે કયાંય સ્વર્ગ નથી. માટે આપણી આપણી માતૃભૂમિની રક્ષા કરવાને માટે પોતાના પ્રાણોના પણ બલિદાન આપતા અચકાવું ના જાેઈએ. કોઈપણ આવેલ સમસ્યા પર આપણે ધીરજ રાખવી જરૂરી છે.