શ્રમનું પુણ્ય-મહેનતનું ફળ

કલરવ
કલરવ

એક નગર હતું આ નગરમાં એક શેઠ રહેતા હતા. તેઓ જેટલું કમાતા હતા તેનાથી વધુ દાન કરતા હતા. એટલે આ શેઠ નગરમાં દાનેશ્વરી શેઠના નામે પ્રખ્યાત હતા. આ શેઠના ઘેરથી કોઈપણ વ્યક્તિ ખાલી હાથે પાછો ફરતો નહોતો. શેઠનું નગરમાં માન સન્માન હતું સૌ કોઈ એમને આદર સત્કાર આપીને બિરદાવતા હતા પરંતુ સમયને કોણ ઓળખી શકયું છે ? આજનો શ્રીમંત કાલનો કંગાલ પણ બની શકે છે અને આજનો ભિખારી કાલનો શ્રીમંત શાહુકાર પણ બની જાય છે. બધો ભાગ્યનો અને સમયનો ખેલ છે.

શેઠનો સમય પણ બદલાયો. ભાગ્ય પરીવર્તન થયું. આ દાનેશ્વરી શેઠના વેપારમાં બહુ મોટું નુકશાન થયું. ધીરે ધીરે શેઠનો ધંધો બંધ થવા માંડયો. એક વખતના દાનેશ્વરી શેઠની બધી જ માલમિલ્કત અને સંપત્તિ વેચાઈ ગઈ. શેઠ પોતાની લાજ બચાવાને માટે રાતોરાત નગર છોડીને કયાંક જતાં રહ્યાં.

ફરતા ફરતા ભૂખ્યા અને તરસ્યા શેઠ એકબીજા નગરમાં આવ્યા જે મળ્યું તે ખાઈને પાણી પીને શેઠ એક વૃક્ષના ઓટલે આરામ કરવા લાગ્યા. બીજા દિવસે તે નગરમાં શેઠે મજુરી કરવા માંડી. ઘણી મહેનત કર્યા બાદ માંડ પરિવારનું પેટ ભરાય તેટલું અનાજ મળતું હતું. એક દિવસે શેઠના પત્નીએ કહ્યું, ‘સ્વામી ! આ નગરના શેઠ તો તમારા ઓળખીતા છે. એણે તમારાથી લાખો રૂપિયા કમાયા છે. શું તેઓ આપણને બઆપણી મુસીબતમાં મદદ નહીં કરે. તમે એની પાસે જઈને એકવાર તો મળી આવો.

દાનવીર શેઠ કોણ જાણે નગરશેઠને મળવા જવા માટે સંકોચ અનુભવતા હતા. આ બાજુ એમની હાલત એવી હતી કે તેઓ જે કંઈ કમાતા હતા તે જરૂરીયાત લોકોને દાનમાં આપી દેતા હતા પછી ભલે તેઓ ભુખ્યા તરસ્યા કેમ નરહે ? છેવટે પત્નીની જીદ આગળ દાનવીર શેઠ નગરના શેઠ પાસે ગયા. નગરશેઠ તરત જ એમને ઓળખી લીધા. તેમણે આદરપુર્વક એમનો સત્કાર કર્યો. અને ઘરમાં યોગ્ય આસને બેસાડયા. એમની આ દશા પર તેઓ ખુબ જ દુઃખી થયા.

દાનવીર શેઠ બોલ્યા, હું ઈચ્છું છું કે તમે મને થોડુંક ધન આપો. એ ધનથી હું ફરીથી મારો વેપાર શરૂ કરૂં પરંતુ આ સમયે મારી પાસે ધનના બદલામાં કશુંક આપવાનું મારી પાસે કાંઈ પણ નથી. બસ જીવનભર જેટલું પુણ્યદાન આપીને કમાયો છું તે જ મારી મુડી છે. જાે તમે કહો તો તેને વેચવા તૈયાર છું.

નગરશેઠ બોલ્યા, ‘તમે તો જીવનભર દાન કર્યું છે. હું તેના વચનના બરાબર ધન તમને આપી શકું તેમ છું. દાનવીર શેઠે એક કોરા કાગળ પર પોતાનું પુણ્ય લખીને પેલા નગરશેઠને આપી દીધો. નગરશેઠે તે કાગળને ત્રાજવાના પલ્લામાં તોલતાં તે માત્ર ત્રણ સિક્કા બરોબર જ નીકળ્યું.
‘શું વાત છે દાનવીર શેઠ ?’ તમે તમારૂં પુણ્ય વેચવામાં કંજુસાઈ કરતા લાગો છો ?’

દાનવીર શેઠે કંજુસ શબ્દ સાંભળ્યો જ નહીં.. તો પછી જે કાંઈ બાકી હોય તે પણ ત્રાજવાના પલ્લામાં ચઢાવી દો..’ નગરશેઠ બોલ્યા.
દાનવીર શેઠ બોલ્યા, ‘મને ગઈકાલે કુલ મજુરીમાં મને ચાર મુઠી અનાજ મળ્યું હતું એક ભિખારી આવ્યો તેણે તે માગતાં મેં બધું જ અનાજ તેને આપી દીધું. તેના કેટલાક દાણા આ થેલીમાં રહી ગયા છે. એને જરા તોલીને જુઓેે.’

પછી નગરશેઠે ત્રાજવાના એક પલ્લામાં તે અનાજના દાણા મુકી દીધા. બીજા પલ્લામાં તે ધન મુકવા માંડયા. પરંતુ આ શું ? શેઠની ધીરે ધીરે બધી જ સંપત્તિ તે ત્રાજવાના પલ્લામાં ચઢાવી દીધી.તેમ છતાં ત્રાજવું સહેજ પણ નમ્યું નહીં. છેવટે નગરશેઠ સ્વયં ત્રાજવાના પલ્લામાં બેસી ગયા તેમ છતાં અનાજના દાણાવાળું પલ્લું સહેજ પણ ઉંચકાયું નહીં..

છેવટે નગરશેઠ દાનવીર શેઠની સામે હાથ જાેડીને ઉભો રહી ગયો અને બોલ્યો,‘દાનવીર શેઠ સંપન્નતાના દિવસોમાં કરવામાં આવેલા પુણ્ય કરતાં શ્રમથી કમાયેલ પુણ્ય ઘણું જ કિંમતી હોય છે. સાચું પુણ્ય તો શ્રમથી જ મળે છે તમને જેટલાં ધનની જરૂર હોય તેટલું તમે ખુશીથી લઈ જઈ શકો છો.’
કમલેશ કંસારા મુ.અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.