પ્રણવની પહેલ
પ્રણવે તેને આજે ફરી ઉકરડા પાસે જાેયો તેના ખભે પ્લાસ્ટીકનો થેલો હતો ચીથરેહાલ કપડાં વિખરાએલા વાળ તેના શરીર પરનો મેલ જાેતાં લાગતું હતું કે તે ઘણાં દિવસથી ન્હાયો પણ નહીં હોય ઉકરડામાં તે કંઈક શોધતો હતો. પ્રણવ તેની નજીક જઈ થોભી ગયો.‘શું શોધે છે ? પ્રણવે તેને પુછ્યું તેની વાત સાંભળીને તે ગભરાઈ ગયો.‘કઈ નહીં એટલું કહી એ ત્યાંથી જવા લાગ્યો.
‘ઉભો રે પ્રણવે તેને રોક્યો તો તે રોકાઈ ગયો.
‘તું સ્કૂલે નથી જતો ? પ્રણવે પુછ્યું.
જવાબમાં તેણે નકારમાં માથું હલાવ્યું.
‘કેમ ? પ્રણવે તેને ફરી પુછ્યું.
‘જાવું તો છે… મારે ય લખતાં વાચતાં શીખવું છે.આ બધુ મને ગમતું નથી.પણ શું અમારી પાસે એટલા પૈસા નથી કે હું ભણી શકું ’ એટલુ કહેતા તે ઉદાસ થઈ ગયો’.
‘ખરેખર ? પ્રણવે પુછ્યું’.
‘હા’
‘સારુ અત્યારે તો મને સ્કૂલ જવામાં મોડુ થાય છે. પણ ખરેખર તું ભણવા માંગતો હોય તો હું તને મદદ કરીશ પ્રણવે તેને કહ્યું.
‘શુ ખરેખર એવું થઈ શકે ? તેણે પ્રણવ ને પુછ્યું
‘હા..હા..કેમ નહીં ? મારુ નામ શું છે. ચાલતાં ચાલતાં પ્રણવે પુછી લીધુ.
‘દીનું તેણે કહ્યું. જતી વખતે પ્રણવે હાથ હલાવ્યો તો તે હસી પડ્યો. તેણે પણ હાથ હલાવી વિદાય આપી.
બીજે દિવસે પ્રણવ સ્કૂલે જતો હતો.ત્યારે કચરાના એ જ ઢગલા પાસે દીનું ને ઉભેલો જાેયોે.આજે તેની સાથે ફાટેલાં જુના કપડાં પહેરેલી તેની માં પણ હતી.
નજીક આવતાં દીનું એ પ્રણવને કહ્યું‘આ મારી માં છે’ મે તેને તારી વાત કરી તો તે તને મળવા આવી છે.
તેની હાલત જાેતાં પ્રણવને ખુબ દુઃખ થયું. તેના ફાટેલા જુના કપડાં શરીર પર જામેલો મેલ વિખરાયેલા વાળ એ બધું જાેતાં એમ લાગતું હતું કે કદાચ ઘણાં વર્ષોથી એ ન્હાઈ નહી હોય તેના વાળમાં ગુંચો પડેલી હતી.
‘ ભાઈલા હું પણ મારા દીનુંને ભણાવીને સારા માણસ બનાવવા માગું છું પણ શું કરુ ? અમારી પાસે એટલા પૈસા નથી મહામુસીબતે દિવસમાં એક ટંક ખાઈ શકીએ છીએ તેણે પોતાની વાત કરી.
પ્રણવે કહ્યું ‘હું એકલો તમને મદદ કરી ના શકું પણ મારા પર ભરોસો રાખજાે. હું મારા મમ્મી પપ્પાને વાત કરીશ. બહું જલ્દી તમને કઈક સારી વાત સાંભળવા મળશે . પ્રણવ તેમને મદદ કરવા માગતો હતો. પણ તેને કંઈ સમજ પડતી નહોતી કે કેવી રીતે મદદ કરે.
પ્રણવ ને ઘરે રાત્રે બધાં ભેગાં જમવા બેસતાં આજે ખાવામાં તેનું મન લાગતું ન હતું.
‘બેટા, શું વાત છે. આજે કંઈ મુંઝાતો હોય એમ લાગે છે. પપ્પાએ તેને પુછ્યું.
‘હા પપ્પા ’ પ્રણવ બોલ્યો અને તેમને દીનુંની આખી વાત કરી.
‘એમાં શું મોટી વાત છે. તું તેને મદદ કરવા માગે છે ખરુ ને ?
‘હા પપ્પા ’ પ્રણવે કહ્યું .
‘સારું કાલે મારે રજા છે ને કાલે હું તારી સાથે આવીશ મારે પણ તેને મળવું છે. પપ્પા બોલ્યા.
પપ્પાની આ વાત સાંભળી પ્રણવ ખુશ થઈ ગયો. આ જાેઈ મમ્મી-પપ્પા પણ હંસી પડ્યા.
બીજા દિવસે સવારે પ્રણવ તેના પપ્પાને લઈ ને કચરાનો ઢગલો પડ્યો રહેતો ત્યાં ગયો. રોજ ની જેમ આજે પણ દીનું એ ઉકરડા પાસે જ મળી ગયો. પ્રણવને જાેઈને તે દોડતો તેની પાસે આવ્યો.
‘ પપ્પા આ દીનું છે ’ પ્રણવે પપ્પાને કહ્યું.
‘ અને તેની માં ’ પપ્પાએ પુછ્યું.
‘તે સામે જ છે’ આ વખતે દીનું એ કહ્યું.
‘જા તેને બોલાવી લાવ. ત્યાં સુધી અમે અહીં જ ઉભા છીએ. ‘પપ્પા બોલ્યા.
‘દીનું દોડતો દોડતો તેની માં પાસે પહોંચી ગયો. અને થોડી વારમાં તેને સાથે લઈ આવ્યો.
પ્રણવના પપ્પાને તૈયાર કપડાંની સીલાઈનો નાનો ધંધો હતો. જેમાં તેમની સાથે બીજા લોકો પણ કામ કરતા હતા.
‘કાલથી તમે અમારે ત્યાં આવો. સિલાઈ કામ શીખો. જલ્દીથી કામ શીખી લે પૈસા કમાતાં થાવ. મહેનતનું ફળ સારૂ જ મળે છે.પપ્પા એ તેમને સમજાવ્યું.
‘સાહેબ અમે મહેનત કરીશું. મારે મારા દિકરાને ભણાવવો છે દીનુની માતા એ કહ્યું.
પપ્પાએ નજીકની એક સરકારી શાળામાં દીનુંનું નામ લખાવી દીધું. તેની માં સિલાઈનું કામ શીખવા લાગી.તેને હવે દીનુંનું ભવિષ્ય બનાવવું હતું. દીનું પણ મહેનત કરી ભણવા લાગ્યો. હવે તે ખુબ ખુશ હતો. પ્રણવની પહેલ અને મદદે તેનું જીવન સુધારી દીધું.