નંદનવનના રાજા શેરસિંહને બે પુત્રો : વીરસિંહ અને ધીરસિંહ
નંદનવનના રાજા શેરસિંહને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ વીરસિંહ અને નાના પુત્રનું નામ ધીરસિંહ. બંને પુત્રોમાં નામ એવા જ ગુણ! વીરસિંહ ખૂબ જ પરાક્રમી અને ક્રોધી. જ્યારે ધીરસિંહ ગંભીર પ્રકૃતિનો અને પ્રેમાળ.
વીરસિંહ દરરોજ સવારમાં ફરવા નીકળે. રસ્તામાં કોઈ તેની આડે ઉતરી ન શકે. જો કોઈ પ્રાણી તેના રસ્તામાં અચાનક આવી જાય, અને તેને સલામ ન ભરે તો તે પ્રાણીનું આવી જ બનતું!
પ્રધાન હંસરાજ હાથીને પણ તે કહી દેતો કે, ‘મારા સમયે તમારે રસ્તામાંથી પસાર ન થવું. હું રાજાનો પુત્ર છું અને ભવિષ્યનો રાજા છું. તમારે મારી આમાન્યા જાળવવી. નહિતર પ્રધાનપદેથી કાઢી મુકીશ.’
એક વાર હંસી હરણીને પગમાં કાંટો વાગ્યો હતો. તે માંડ ચાલી શકતી હતી. ત્યાં વીરસિંહ સામેથી આવતો દેખાયો. લંગડાતા પગે તે માંડ ઝાડીમાં છુપાઈ શકી.
બે કલાક પછી ધીરસિંહ નગરચર્યા કરવા નીકળ્યો. રસ્તામાં તેને હંસરાજ મળ્યો. ધીરસિંહે તેને પ્રણામ કર્યા અને રાજ્ય વિશે થોડી ચર્ચા પણ કરી. આગળ જતાં લંગડાતી હંસીને જોઈ. તરત તે તેની પાસે પહોંચી ગયો અને તે શા કારણે લંગડાતી ચાલે છે તે પણ પૂછયું.
હંસીએ કહ્યું, ‘પગમાં મને કાંટો વાગ્યો છે. વીરસિંહને આ રસ્તે આવતા જોયા તેથી ઝડપથી હું લંગડાતા પગે ઝાડીમાં છુપાઈ ગઈ. આથી કાંટો પગમાં વધુ ઊંડે ખૂંચી ગયો. દુ:ખાવો પણ બહુ જ થાય છે.’
ધીરસિંહે તરત જ તેને પગ ઊંચો કરવા કહ્યું. કાંટો સહેજ બહાર દેખાતો હતો. તેણે પોતાના મજબૂત દાંત વડે હંસીના પગમાંથી કાંટો ખેંચી કાઢયો. હંસીનો દુ:ખાવો ઓછો થઈ ગયો. તેણે ધીરસિંહનો ખૂબ ખૂબ આભાર માન્યો.
એકવાર વીરસિંહ તળાવે પાણી પીતો હતો. ત્યાં ભગરી ભેંસ પાણી પીવા આવી. વીરસિંહને જોતા જ તે પાણી પીધા વગર જવા લાગી. વીરસિંહે કહ્યું કે, ‘એ ભગરી ભેંસ, મારા પાણી પીવાના સમયે તું ક્યાં આવી? ભાગ અહીંથી. હવે તારે ક્યારેય મારા પાણી પીવાના સમયે આવવું નહીં.’
ભગરી તો ઊભી પૂંછડીએ ભાગી ગઈ.
તે પાણી પીતો હતો ત્યાં પાણીમાં મગર દેખાયો. મગરને જોઈને તેણે કહ્યું કે, ‘એ આળસુના પીર! પાણીમાં પડયા રહેવા સિવાય બીજું કામ છે તારે? હું રાજા બનું પછી તારો વારો છે.’
ધીરસિંહ પણ રોજ તળાવે પાણી પીવા જતો. મગર સાથે તે હસીને વાતો કરતો. ધીરસિંહની સાથે હરણા, ભેંસ વગેરે પણ પાણી પી શકતા. તે કોઈને ભગાડી દેતો નહીં.
વીરસિંહને ક્રિકેટનો જબરો શોખ. તે નવરાશના સમયે ક્રિકેટ જ રમતો. બધાં નાનાં નાનાં પ્રાણીઓ પાસે તે આખો દિવસ ફિલ્ડિંગ જ ભરાવતો. કોઈને બેટ આપતો નહીં. જે કોઈ તેને આઉટ કરી દે તેના પર ગુસ્સે ભરાતો. અને ફરીથી બોલ નાખવા કહેતો.
ધીરસિંહ દર રવિવારે જ ક્રિકેટ રમતો. જે કોઈ પ્રાણી તેને આઉટ કરી દે તેની બોલિંગની પ્રશંસા કરતો. તે ફિલ્ડિંગ પણ ભરતો.
એકવાર બંને ભાઈઓ નદીએ સાથે પાણી પીવા ગયા. નદીનાં કાંઠે પાણી ડહોળું લાગ્યું. બંને નદીની વચ્ચે ગયા. ત્યાં પાણી ઊંડું હતું. બંને ડૂબવા લાગ્યા. મગરે આ જોયું. તરત જ તે ધીરસિંહ પાસે ગયો અને તેને તેની પીઠ ઉપર બેસાડી કાંઠે પહોંચાડી દીધો.
વીરસિંહ બચાવો…બચાવો.. .બૂમો પાડતો રહ્યો. થોડીવાર પછી ધીરસિંહે મગરને વિનંતી કરતા કહ્યું કે,’વીરસિંહને
બચાવી લે.’
મગરે કહ્યું,’તે મારી સાથે સરખી રીતે વર્તતો નથી. તેને તેના પદનું અભિમાન છે.’
આ સાંભળી વીરસિંહે કહ્યું કે, ‘હવે હું ક્યારેય અભિમાન નહીં કરું, બધાં પ્રાણીઓ સાથે સરખી રીતે જ વર્તીશ. મને બચાવી લો… મને બચાવી લો…’
ધીરસિંહના કહેવાથી મગર તેને પણ પોતાની પીઠ ઉપર બેસાડીને કાંઠે લઈ આવ્યો.
વિરસિંહે હવે રાહતનો શ્વાસ લીધો.
બધાં પ્રાણીઓ નદીના કિનારે આ તમાશો જોતા હતા. વીરસિંહે બધા પ્રાણીઓને કહ્યું, ‘હાલો બેટ અને બોલ રાજમહેલમાંથી લઈ આવો. આપણે ક્રિકેટ રમીએ. આજ હું ફક્ત બોલિંગ જ કરીશ.’
બધાં પ્રાણીઓ ઉત્સાહમાં આવી ગયાં.