દગા બાજને સજા
એક રાજા હતો. તે હંમેશા વિદ્વાનોનો ખૂબ જ આદર સત્કાર કરતો હતો. આ રાજા પાસે એક કથાકાર બ્રાહ્મણ દરરોજ આવીને કથા વાર્તા સંભળાવતો હતો. રાજા પ્રતિદિન એ બ્રાહ્મણને એક સોનાની મુદ્રા આપતો હતો.
આપવાવાળો આપતો હતો અને લેનાર તેને લેતો હતો. બંને જણ અત્યંત પ્રસન્ન હતા. પરંતુ દુનિયામાં પણ એવા લોકો હોય છે જેઓ બીજાની ખુશીની ઈષ્ર્યા કરતાં હોય છે આવી જ એક વ્યકિત હતી બ્રાહ્મણનો પડોશી હજામ. તે પણ બ્રાહ્મણના ભાગ્યની ઈષ્ર્યાની આગ એના મનમાં સળગતી હતી. એણે મનમાં વિચારવાનું શરૂ કરી દીધું કે કેવી રીતે આ બ્રાહ્મણને રાજાની નજરમાંથી નીચે લાવી શકાય. એ ચતુર તો હતો જ. છેવટે તેણે એક યુકિત વિચારી લીધી.
એણે બ્રાહ્મણને કહ્યું, પંડિતજી! મહારાજ એવું કહેતા હતા કે તમારા મોંમાથી દુર્ગધ આવે છે. આથી તમે જયારે પણ મહારાજને કથા સંભળાવવા જાવ ત્યારે નાક અને મોં પર પટ્ટી બાંધીને જજાે બ્રાહ્મણ ઘણો જ ભોળો હતો. તે હજામની વાતોમાં આવી ગયો અને એની વાત સાચી માનીને એવું જ કરવાને માટે તૈયાર થઈ ગયો.
આ બાજુ હજામ રાજા પાસે ગયો અને કહ્યું ‘‘ મહારાજ! તમારે ત્યાં આવતો કથા વાંચક પંડિત ઘણો જ દુષ્ટ અને કુટિલ સ્વભાવનો છે. આજે કહી રહ્યો હતો કે રાજાના મોંમાથી ખરાબ ગંધ આવે છે એટલે તે કાલથી નાક અને મોં પર પટ્ટી બાંધીને કથા સંભળાવવા જઈશ. ’’
હજામની વાત સાંભળીને રાજા ઘણો જ ગુસ્સે ભરાયો. તે ક્રોધથી પાગલ થઈ ગયો અને બોલ્યો ‘ મારા જ ટુકડા પર જીવતા એ બ્રાહ્મણની આ હિંમત હું કાલે જ એને એની સજા કરીશ. ’’
બીજા દિવસે બ્રાહ્મણ રાજાને ત્યાં કથા સંભળાવવા આવ્યો. એના નાક અને મોં પર પટ્ટી જાેઈને રાજાને હજામની વાત પર વિશ્વાસ આવી ગયો. એ દિવસે કથા વાંચ્યા બાદ રાજાએ બ્રાહ્મણને બે સોનાની મુદ્રા આપી અને સાથે એક બંધ કવર આપ્યું જેમાં એક આવશ્યક પત્ર છે. જે તારે જઈને કોટવાલને આપવાનો છે. ’’
બ્રાહ્મણ રાજાને ત્યાંથી ચાલ્યો ગયો. બહાર હજામ એની રાહ જાેઈને ઉભો હતો અને વિચારતો હતો કે જાેઈએ તો ખરા રાજા પંડિતને શું સજા આપે છે.
બ્રાહ્મણે બહાર આવીને હજામને ઉભેલો જાેયો પોતાના ભોળા સ્વભાવના કારણે બોલ્યો, તમારી સલાહ સાચી હતી. આજે તો રાજાએ બે સોનાની મુદ્રા આપી આ સાંભળીને હજામ તો મનમાં સમસમી ગયો. તે ઘણો જ ચાલાક હતો. તે બોલ્યો, પંડિતજી! ઉપાય મેં બતાવ્યો એટલે મને પણ અડધો ભાગ મળવો જાેઈએ ને. સીધા સાદા ભોળા બ્રાહ્મણે કહ્યું, તમે આ રાજાનો પત્ર તરત જ કોટવાલને આપી આવો અને કહો કે રાજાએ આ પત્ર મોકલ્યો છે આટલું કહીને પેલો પત્ર અને એક સોનાની મુદ્રા હજામને આપી દીધી.
હજામ પ્રસન્ન થતો સોનાની મુદ્રા ખિસ્સામાં મુકી અને પત્ર લઈને કોટવાલ પાસે પહોંચ્યો, પત્રમાં લખ્યું હતું કે આ પત્ર લાવનાર વ્યકિતનું નાક તરત જ કાપી લેવાનું.
કોટવાલે તો રાજાની આજ્ઞાનું પાલન કરતાં હજામનું નાક કાપી લીધું. હજામ દર્દથી પીડાતો પોતાના ઘેર પહોંચ્યો.
બીજા દિવસે બ્રાહ્મણ રોજની જેમ રાજાને ત્યાં કથા વાંચવાને માટે પહોંચી ગયો. રાજાએ જાેયું તો બ્રાહ્મણનુ નામ કપાયું નહોતું. તે તો હેમખેમ હતો. આ જાેઈને રાજાને આશ્ચર્ય થયું. તેણે બ્રાહ્મણને પુરી વાત પુછી.
બ્રાહ્મણે પુરી રામકહાની સંભળાવી દીધી. રાજા સાંભળીને અત્યંત પ્રસન્ન થયો. અને મનમાં વિચારવા લાગ્યો કે દગાબાજ ને એના કર્મની સજા મળી ગઈ અને નિર્દોષ બચી ગયો.
કમલેશ કંસારા મુ.અમદાવાદ