જેવા સાથે તેવા
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. એક ગામમાં અનંત નામનો એક નવયુવાન રહેતો હતો. તે ખૂબ જ ચતુર હતો. પરંતુ એનામાં એક જ ખામી હતી કે તે ખૂબ જ આળસુ અને બડાઈખોર હતો. તેને એવું લાગતું હતું કે તે પોતાની ચતુરાઈની મદદથી સરળતાથી ખૂબ ધન કમાવી શકે છે.
અનંત ફાલતુ વાતોમાં અને પોતાની હોંશિયારી હાંકવામાં પોતાનો મોટાભાગનો સમય વેડફી નાંખતો હતો. તેના પરિવારમાં માત્ર એક દાદાજી જ હતા. દાદાજીએ તેને પોતાનું વર્તન સુધારવા માટે કેટલીવાર સમજાવ્યો પણ તેનો કંઈ ફાયદો થયો નહીં.
અને અંતે ધીમે-ધીમે અનંતને શરત લગાડવાની એક ખોટી ટેવ પડી ગઈ. તેથી તે આવા જુગાર-સટ્ટાના જાેરે જ અમીર બનવા માંગતો હતો.
અનંતના દાદાજી તેને ઘણું જ સમજાવવાનો પ્રયાસ કરતાં પરંતુ અનંત તેમની વાત કાને ધરતો જ નહોતો.
એક દિવસ અનંતે પોતાના મિત્રો સાથે શરત લગાવી કે તે એક કલાકમાં દસ કિલો જલેબી ખાઈ લેશે, એક હજારની શરત.તેના મિત્રો તરત જ તૈયાર થઈ ગયા.
સમય પર દસ કિલો જલેબી અનંતની આગળ મૂકવામાં આવી. અનંતે મીઠાઈ ખાવાની શરુઆત કરી.થોડીવાર સુધી તો સારી લાગી, પણ થોડીવાર સુધી તો મીઠાઈ ખાવી સારી લાગી, પણ થોડીવાર પછી તેને ગળે ઉતારવી ભારે પડવા લાગી.
અનંતને એક ઉપાય સૂઝયો. તેણે બધી જ જલેબીનો ચૂરો કરીને તેમાંથી ખાંડની ચાશની કાઢીને એક મોટો લાડવો બનાવી દીધો. પછી તે લાડવો ખાઈને ઉપર ચાશની પી લીધી.
હવે તો તેના મિત્રોને તેને શરત મુજબ એક હજાર રુપિયા આપવા પડ્યા.
પરંતુ અનંત જ્યારે ઘેર ગયો ત્યારે રાત્રે એનું પેટ બગડી ગયું. તેને જાેરથી પેટમાં દુઃખાવો ઉપડ્યો. આખી રાત એને પેટમાં દુઃખાવો રહ્યો. સવારે એને દવાખાનામાં દાખલ કરવો પડ્યો.ત્યાં એની સારવાર કરવામાં આવી. ડૉક્ટરોએ એને કડવી દવા આપી.
દવા મોમાં મૂકતાં જ અનંતને લાગ્યું કે એની જીભ હમણાં જ મોમાંથી બહાર આવી જશે. તેને ખૂબ જ રડવું આવતું હતું. જેમ તેમ કરીને તે કડવી ગોળી ગળી ગયો. પછી તો ડૉક્ટર અનંતને કડવી દવાનો કાઢો બનાવીને પીવડાવ્યો. આ વખતે અનંત ખૂબ જ રડ્યો. પણ તે લાચાર હતો. તે પોતાના દાદાજીના ડરથી અને બિમારીના ભયથી તે કડવી દવા જેમ-તેમ કરીને પી ગયો. આ પ્રક્રિયા સળંગ ત્રણ દિવસ એની ઉપર થઈ. ડૉક્ટરોએ પોતાના ઉપચાર માટે બે હજાર રુપિયાની રકમ(ફી) લીધી. ડૉક્ટરો જતાં રહ્યા. અનંત એમને જાેઈ રહ્યો હતો.
દાદાજી અનંત પાસે આવીને બોલ્યા, બેટા ! જાેયું તે ! આપણે કરેલા કર્મોનું ફળ આપણે જ ભોગવવાનું હોય છે. જલેબીના ચૂરાનો લાડલો બનાવીને ઉપર ચાશની પી ગયો. અને ડૉક્ટરો તારા જીતેલા પૈસા ઉપરાંત તારા પાસેથી હજારની રકમ લઈ ગયા. અને અંતે તને શું સમજાવ્યું ? કડવી દવા અને કડવો સીરપ. હવે તો તું જરા સમજ ! આમ, બેફિકર બનીને જીવવા કરતાં સખત મહેનત કર. જાે તું મારી વાત માનીશ તો તું હવેની જીંદગી આરામથી વિતાવી શકીશ.
“હું તમારી વાત માનીશ, દાદાજી ! કહેવાય છે કે વડીલોની સલાહ તેમના આર્શીવાદ હોય છે .” અનંત દ્રઢ સ્વરે બોલ્યો.
તે દિવસે અનંતે આળસ છોડીને સખત મહેનત કરવાનું શરુ કરી દીધું. અને જલ્દીથી તેણે પોતાની જવાબદારી સંભાળીને કાર્ય કરવાની શરુઆત કરી અને એના આ પરિવર્તનને કારણે તેણે ખૂબ નામ અને રુપિયા કમાવી લીધા.