છુપો ખજાનો
એક ખેડૂતને પાંચ પુત્રો હતા.પાંચેય પુત્રો કોઈ જ કામધંધો કરતા નહોતા.તેઓ આખો દિવસ ગામમાં આમતેમ રખડીને પોતાનો સમય પસાર કરતા હતા. ખેડૂત પોતાના પુત્રોને ઘણું જ સમજાવતો અને તેઓને ખેતરમાં કામ કરવાની સલાહ આપતો પરંતુ આ તો પથ્થર પર પાણી !
એક વાર ખેડૂત મરણ પથારીએ પડયો. તેણે પોતાના પાંચેય પુત્રોને પોતાની પાસે બોલાવીને કહ્યું, જુઓ હવે મારો અંત સમય નજીક છે.મને તમારી ચિંતા બહુ થાય છે. મારા સમજાવ્યા પર તમે કોઈ જ કામધંધો ના શીખ્યા તેનું મને દુઃખ છે પરંતુ મેં તમારા માટે ઘણું બધું ધન છુપાવીને રાખ્યું છે પરંતુ તમે કોઈ મહેનત કરવા તો માંગતા નથી પછી તમને એ કેવી રીતે પ્રાપ્ત થશે ?
‘ના..ના..બાપુ ! તમે અમને એ બતાવો કે તમે એ ધન કયાં છુપાવ્યું છે? અમે એને મેળવવાને માટે જરૂર મહેનત કરીશું. પાંચે પુત્રો એક સાથે બોલ્યા.
પુત્રોની વાત સાંભળીને ખેડુત પિતાને જરૂર વિશ્વાસ થઈ ગયો કે ધનને મેળવવાને માટે મારા પુત્રો જરૂર મહેનત કરશે. એટલે ખેડૂતે કહ્યું, તો સાંભળો, મેં એ ધનને મારા ખેતરમાં છુપાવીને રાખ્યું છે. મારા એ મૃત્યુ બાદ તમે એ ધન ખેતરમાંથી પ્રાપ્ત કરી શકો છો.’
ધનનું રહસ્ય બતાવ્યા બાદ થોડીક વારમાં જ ખેડૂત મૃત્યુ પામ્યો. પિતાની અંતિમ ક્રિયા કર્યા બાદ બીજા દિવસે વહેલી સવારે પાંચેય પુત્રો હાથમાં કોદાળી, પાવડો અને હળ જેવા સાધનો લઈને ખેતરે પહોંચ્યા અને ખેતર ખેડવા માંડયું. એક અઠવાડીયા સુધી તેઓ ખેતર ખેડતા રહ્યા પણ એમને કાંઈ પણ ધન પ્રાપ્ત ન થયું અને કયાંથી મળે ? ધન દાટયું હોય તો મળે ને !
પોતાની મહેનત નિષ્ફળ જતા પાંચેય પુત્રો પોતાના મૃત્યુ પામેલા પિતાની નીંદા કરવા લાગ્યા. આ વાતની ખબર એ ખેડૂતના એક મિત્રને થઈ.
ત્યારે તેઓ એના મિત્રની ચાલાકીને સમજી ગયા. તેઓ તરત જ એ પાંચેય પુત્રો પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે ‘દિકરાઓ તમારા પિતા જીવનમાં કયારેય જુઠું બોલ્યા નથી.
ખેતરમાં ધન છુપાવ્યું છે તો તે તમને અવશ્ય મળશે. બની શકે કે તે ધન ખેતરમાં ખુબ ઉંડાણ સુધી પહોંચી ગયું હશે અને તે ફસલ (પાક) સાથે બહાર આવશે. હવ તમે લોકોએ ખેતર ખેડયું છે તો પછી તેમાંથી ઘઉં જ વાવી દો.
પાંચે ભાઈઓને કાકાની વાત ગમી અને ખેતરમાં એ દિવસે ઘઉં વાવી દીધા અને ખુબ મન લગાવીને ખેતરમાં કામ કરવા લાગ્યા. સમય જતાં ખેતર ઘઉંના પાકથી લહેરાવા લાગ્યું. પાંચેય ભાઈઓના ચહેરા પર આનંદ વ્યાપી ગયો. ઘઉંને બજારમાં જઈને વેચ્યા તો સારી એવી કિંમત ઉપજી.
એ ધનને જાેઈને પાંચેય ભાઈઓ સમજી ગયા કે એમના પિતાની વાતનો વાસ્તવિક અર્થ શો હતો ?
વાસ્તવમાં સાચું ધન તો પરિશ્રમ જ છે. મહેનત દ્વારા વ્યક્તિ સાચા ધનની પ્રાપ્તિ કરી શકે છે. પિતાજી એમના પાંચેય પુત્રોને પરિશ્રમ દ્વારા છુપાયેલા ધન મેળવવાનો પાઠ ભણાવવા માંગતા હતા.