ચોરીનો ભેદ
એક ગામમાં એક ઝવેરી શેઠ રહેતા હતા. આ શેઠનું નામ લક્ષ્મીચંદ હતું લક્ષ્મીચંદની ગામમાં એક મોટી સોના ચાંદી ઝવેરાતની દુકાન હતી. આ દુકાનમાં રામ અને શ્યામ નામના બે કારીગરો કામ કરતા હતા.બંનેના સ્વભાવમાં ખૂબ જ અંતર હતું રામ એક સીધો સાદો, પ્રામાણિક અને સરળ સ્વભાવ ધરાવતો શ્યામ હતો. તે લૂચ્ચો, લાલચી અને કપટી હતો. બંને જણા પોતપોતાના કાર્યમાં નિપૂણ હતા. શેઠને બંનેના સ્વભાવની જાણકારી હતી,પરંતુ તેઓ દાગીના ઘડવામાં નિપૂણ હતા એટલે તેઓ કાંઈપણ બોલતા નહોતા.
એક દિવસની વાત છે શેઠને અચાનક ચાર પાંચ દિવસ સુધી બહારગામ જવાનું થયુ.તેથી તેમણે દુકાનની ચાવી રામ અને શ્યામને આપીને તેઓ બહારગામ ચાલ્યા ગયા.
ચાર પાંચ દિવસ બાદ જયારે શેઠ બહારગામથી પરત ફર્યા ત્યારે એમને ખબર પડી કે દુકાનમાં ચોરી થઈ છે. શેઠે તો રામ અને શ્યામને બોલાવ્યા.અને તપાસ શરૂ કરી શેઠે રામ અને શ્યામને ઘેર પણ તપાસ કરાવી ત્યારે રામના ઘરમાંથી ચોરીનો માલ પકડાયો. રામે કહ્યું મારા ઘરમાંથી ચોરીનો માલ પકડાય એટલે એ વાતનું પ્રમાણ નથી થતું કે ચોરી મે જ કરી છે ?
શેઠ જાણતા હતા કે રામ પ્રમાણિક અને ઈમાનદાર છે તે કયારેય ચોરીના કરે, રામે કહ્યું, શેઠ મને બે દિવસનો ટાઈમ આપોે. હું આ ચોરીનું રહસ્ય શોધી કાઢીશ શેઠે રામને સમય આપ્યો બે દિવસ બાદ જયારે રામ પાછો ફર્યો ત્યારે તેની સાથે એક યોગીજી મહારાજ હતા. યોગીજીએ દુકાનમાં આવીને કહ્યું, મારી પાસે એક જાદુઈ અરીસો છે. અને પાછો ચમત્કારિક પણ ખરો. જેણે પણ દાગીના ચોર્યા હશે અને જાે એ પોતાનો ચહેરો આ અરીસામાં જાેશે તો આ અરીસો તૂટીને ચકનાચૂર થઈ જશે. અને સત્યની જાણકારી થઈ જશે.
આ સાંભળીને શ્યામ ગભરાયો. તેને થયું કે હવે મારી ચોરી પકડાઈ જશે.આથી તે ત્યાંથી છટકવાની કોશિષ કરવા લાગ્યો ત્યાંજ યોગીજીએ શ્યામને પકડવા માટે કહ્યું. રામે શ્યામને પકડીને શેઠની સામે લાવીને ઊભો કરી દીધો.શ્યામનું મસ્તક ઝુકેલું હતું તે બોલ્યો, શેઠ મને માફ કરી દો. કારણ કે મેં જ ચોરી કરી છે. પરંતુ ઈષ્યૉના કારણે અને રામને દુકાનમાંથી દૂર કરવાને માટે મેં જ ચોરી કરી હતી. અને બધો જ ચોરીનો માલ રામના ઘરમાં સંતાડી દીધો. જેથી તે પકડાઈ જાય અને શેઠ એને દુકાનમાંથી કાઢી મૂકે.
યોગીજી બોલ્યા, માનવી જેવું કર્મ કરે છે એવું જ એને ફળ મળે છે તે કયારે છુપાતુ નથી. સમાજથી નજર બચાવીને પણ કુકર્મ કરીએ છીએ ત્યારે તેનું મન જ સાક્ષી હોય છે અને ઈશ્વર બધું જ જાણતો હોય છે માનવી પોતાના ખરાબ કર્મથી કયારેય બચી શકતો નથી. સંસારના બધા જ વિધિ વિધાન ઈશ્વરના સહારે અને માનવીના કર્મના આધારે જ ચાલતા હોય છે.