ખાડો ખોદે તે પડે
એક ગામમાં એક વાણિયો રહેતો હતો. તે આજુબાજુના ગામડાઓમાં ફરીને વેપાર ધંધો કરતો હતો. તે સમયસર ગામડાઓમાંથી પોતાની ઉઘરાણી કરીને પોતાના પરિવારનું પોષણ કરતો હતો.
એકવાર તે ગામડામાં ઉઘરાણીએ ગયો. સાંજ પડી ગઈ એટલે તે ત્યાંથી ઉતાવળો ઉતાવળો મુસાફરી કરીને એક મોટા શહેરમાં પહોંચી ગયો.
પોતાની પાસે હજાર રૂપિયાનું જાેખમ હતું તેથી પોતાના એક ઓળખીતા બ્રાહ્મણને ત્યાં ગયો તે બ્રાહ્મણ બહારગામ ગયો હતો પણ તેની બે બહેનો હતી. તેમણે પેલા વાણિયાને પોતાને ત્યાં ખુશીથી ઉતરવા દીધોે.
વાણિયા પાસે જાેખમ હતું એટલે તેણે એ જાેખમ પેલી બે બહેનોમાંથી જે મોટી હતી તેને આપતાં કહ્યું, હું સવારે જઈશ ત્યારે તમારી પાસેથી લઈ જઈશ.’ બંને બહેનોએ વાણિયાને સારી રીતે જમાડયો પછી બહાર ફળિયામાં એક ખાટલો પાથરીને સુવાડયો.વાણિયાના હજાર રૂપિયા ઉપર પેલી મોટી બેનની દાનત બગડી અને તેણે પેલાં વાણિયાને મારી નાખવાનો વિચાર કર્યો. તેણે આ વિચાર પોતાની નાની બહેનને કર્યો અને તેની મદદ માંગી.નાની બહેને આવું ઘાતકી કામ કરવાની ના પાડી અને મોટી બેનને ઠપકો આપ્યો.
ત્યારબાદ બંને બેનો રૂમમાં સુવાને માટે ગઈ.થોડી વાર પછી નાની બહેન ઉઠી અને તેને પેલા મુસાફર ઉપર દયા આવી હતી. તેથી તેને ફળીયામાં ઉઠાડવાને માટે ગઈ. મુસાફરને ઉઠાડીને એક બીજા ઓરડામાં પથારી પાથરીને સુવાડયો અને તે પોતે નિરાંતે સુઈ ગઈ.
મોડી રાતે તે બહેનોનો ભાઈ જે બહારગામ કામ અર્થે ગયો હતો તે આવ્યો.મોડી રાત થઈ હતી અને પાછો તે થાકેલો પણ હતો. એટલે પેલા વાણિયાના ખાલી પડેલા ખાટલામાં માથે મોઢે ઓઢીને સુઈ ગયો. મોડી રાતે મોટી બહેન જાગી અને હાથમાં એક છરો લઈને ફળિયામાં આવી.અંધારે અંધારે તે ખાટલા પાસે ગઈ અને ભરઊંઘમાં પડેલા માણસને મારી નાખ્યો પછી તે મડદાને અંધારામાં નજીકના કુવામાં નાખીને નિરાંતે ઓરડામાં આવીને સુઈ ગઈ.
બીજે દિવસે સવારે પેલો વાણિયો પોતાનું પોટલું લેવા મોટી બહેન પાસે આવ્યો. વાણીયાને જાેતાં જ મોટી બહેન વિચારમાં પડી ગઈ કે આ શું ? તે કાંઈ ભુત થઈને આવ્યો છે કે શું ? અંતે વાણિયાને એનું પોટલું વીલે મોંઢે આપવું પડયું. પેલો વાણિયો પોટલું લઈને પોતાના રસ્તે ચાલી નીકળ્યો.
થોડા વખત પછી કુવામાં મડદું તરતું જાેઈને ગામના લોકો ત્યાં ભેગાં થઈ ગયા.બંને બહેનો પણ કુવા પાસે થયેલી ભીડ જાેઈને ત્યાં જાેવાને માટે ગઈ. લોકોએ પોલીસની મદદથી કુવામાંનું મડદું બહાર કાઢયું.મૃત વ્યક્તિને જાેતાં જ મોટી બેન આશ્ચર્ય પામી ગઈ. કારણ કે તે મૃત વ્યક્તિ બીજાે કોઈ નહીં પણ પોતાનો એકનો એક કમાનાર ભાઈ હતો. તે રડવા લાગી પણ હવે શું થવાનું હતું ? આથી તેણે જીવનભર દુઃખ વેઠયું આ વાત ઉપરથી એટલું શીખવાનું કે કોઈ દિવસ કોઈનું મનથી, વચનથી કે કર્મથી બુરૂં ન કરવું. કમલેશ કંસારા