અનોખું વરદાન
આ કહાની એક એવા ગામની છે કે જ્યાં લોકો ખુબ જ ઈમાનદાર અને દયાવાન હતા પરંતુ તેઓ ગરીબીમાં પોતાનું જીવન પસાર કરતા હતા. એટલે એ ગામનું નામ જ દીનપુર પડી ગયું હતું. આ ગામના લોકો ખુબ જ મહેનત કરતા પરંતુ એમને એમની મહેનતના પ્રમાણમાં યોગ્ય આવક પ્રાપ્ત થતી નહોતી. કયારેક ગામમાં પુર આવતું તો કયારેક દુષ્કાળ પડતો.
એકવાર એ ગામમાં એક તપસ્વી આવ્યા. ગામના લોકોએ ખુબ જ શ્રદ્ધાપુર્વક ઋષિ અને એમની સાથે આવેલા સંત મહાત્માઓની સેવા કરી. ગામમાં ગરીબી હોવા છતાંય લોકોએ સેવા કરવામાં કોઈ જ કસર ના છોડી. ગામના લોકોની સેવાથી પ્રસન્ન થઈને એ ઋષિએ એક બીજ આપ્યું અને કહ્યું આ એક ચમત્કારી વૃક્ષનું બીજ છે એને મંદીરના આંગણામાં પુર્ણિમના દિવસે પૂજા પાઠ કરીને વાવજાે. આ વૃક્ષને ખુબ જ વધુ સેવાની જરૂર છે. એમાં દિવસમાં બે વાર ગંગાજળ પધરાવજાે. એના મુળ કયારેય સુકાવા ના જાેઈએ. જ્યારે આ બીજમાંથી વૃક્ષ બને ત્યારે એમાં સૌ પ્રથમ એક ફળ આવશે ત્યારે તમારે સમજવાનું કે આ વૃક્ષના દેવતા તમારી પર પ્રસન્ન થયા છે અને તેઓ પ્રત્યક્ષ દર્શન આપીને વરદાન માગવાનું કહેશે ત્યારે કોઈપણ વરદાન માગજાે પરંતુ વરદાન એક જ વાર માંગી શકાશે.
આટલું કહીને પેલા ઋષિ તો ત્યાંથી ચાલ્યા ગયા. એમના ગયા પછી લોકોએ પેલા બીજને મંદિરના પ્રાંગણમાં વાવી દીધું અને તેની ખુબ જ સેવા કરવા માંડી. અને એક દિવસ એ વૃક્ષ પર ફળ આવ્યું. કોઈ પરિવારે આ વૃક્ષ પાસ જઈને ધન માગ્યું તો કોઈએ નોકરી, એ ગામમાં કોઈપણ પરિવાર એવું નહોતું કે જેમણે વરદાન ન માગ્યું હોય પરંતુ આ ગામમાં માંગીરામ નામની એક વ્યક્તિ હતા જેણે વૃક્ષ પાસે વરદાન ના માગ્યું તે એકદમ શાંત સ્વભાવનો વ્યક્તિ હતો. તે શાકભાજીનો વેપાર ઈમાનદારીથી કરતો હતો અને જે પણ કાંઈ આવક થતી તેમાં તે અત્યંત ખુશ હતો.
ગામના લોકોએ પણ માંગીલાલને વરદાન માંગવાનું કહ્યું પણ તેણે એમની વાતને કાને ન લીધી. સમય પસાર થતો ગયો. ગામના લોકોએ પેલા પવિત્ર વૃક્ષની સેવા પણ ધીરે ધીરે બંધ કરી દીધી. કારણ કે હવે એ વૃક્ષનો મતલબ પુરો થઈ ગયો હતો. ધીરે ધીરે પવિત્ર વૃક્ષની હાલત બગડવા લાગી. વૃક્ષ ધીમે ધીમે સુકાવા માંડયું.માંગીલાલથી આ જાેવાયું નહીં, એણે વિચાર્યું કે જાે આ વૃક્ષ સંપુર્ણ સુકાઈ જશે તો ગામમાં ફરીથી ગરીબાઈ પોતાનું સામ્રાજય જમાવશે અને ગામના લોકોની કોઈપણ ઈચ્છા પુરી નહીં થાય.
માંગીરામે એક લોટો લીધો અને એની નીચેના ભાગમાં એક છીંદ્ર પાડીને આ વૃક્ષની ઉપર લટકાવી દીધો અને તેનું પાણી લગાતાર એ વૃક્ષના મુળને સિંચતંું રહે. પછી તેણે લોટામાં પાણી ભર્યું અને નતમસ્તક થઈને તેણે વરદાન માંગ્યું, હે ચમત્કારીક વૃક્ષના દેવતા હું તમારી પાસે એટલું જ માગું છું કે આ લોટાનું પાણી કયારેય પણ પૂર્ણ ના થાય અને એનંુ પાણી સદાય તમારૂં સીંચન કરતું રહે.
એ વૃક્ષના દેવતાએ માંગીરામની પ્રાર્થના સાંભળી અને માંગીરામ સમક્ષ પ્રગટ થઈને બોલ્યા, ‘આજ સુધી કેટલાય લોકોએ મારી પાસે વરદાન માગ્યું પરંતુ પોતાના સ્વાર્થ માટે પરંતુ તંુ પહેલો માનવી છે કે જેણે મારા માટે વરદાન માંગ્યું છે. હું તારાથી અત્યંત પ્રસન્ન થયો છું એટલે તારા ન માંગવા પર પણ તને હું ખુદ એક વરદાન આપું છું કે તું દીર્ઘાયુ જીવન જીવીશ.. જીવનમાં તારૂં અને તારા પરિવારનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તને ધનની ખોટ કયારેય નહીં વર્તાય.
આટલું કહીને દેવતા અદ્રશ્ય થઈ ગયા. ધીરે ધીરે ગામમાં સમય પસાર થતો ગયો તેમ તેમ લોકો સ્વર્ગે જવા માંડયા.. કયારેક કોઈ બીમારીથી મર્યો હોય તો કોઈ લાચારીથી.. પરંતુ માંગીરામ અને એનો પરિવાર સુખમય અને સ્વસ્થ જીવન પસાર કરી રહ્યા હતા.
કેવું નિઃસ્વાર્થ જીવન માંગીરામનું ?
-કમલેશ કંસારા