રોચક અને વિચિત્રતાઓથી ભરેલ વિવાહની ઘટનાઓ
દરરોજ સાંજે તે એ યુવતીના ઘરની બારી પર નિશાન લગાવતો.આ એનો નિત્યક્રમ હતો. સમય જતાં પ્રેમવિવાહનું સ્વરૂપ લઈ લીધું. તેણે વિવાહ પહેલા બંદુકમાંથી ગોળીઓ ચલાવી. ત્યારબાદ તેના વિવાહ થયા.સ્પેનના વિસ્તારમાં વિવાહ કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો વિવાહ પહેલાં યુવતીના ઘરની છત પર રાખેલા ઘડાને ગોળીઓ વડે ઉડાડવાના હોય છે. જે યુવાન આ કાર્યમાં અસફળ રહે તો તેની જાન લીલા તોરણે પાછી ફરે છે. પછી જયારે તે યુવાન પુર્ણરૂપથી નિશાન લગાવાને માટે યોગ્ય બને છે ત્યારે તે ફરીથી જાન લઈને આવે છે.
ઈંગ્લેન્ડમાં એક યુવાન મેહરના વિવાહની ઘટના ખુબ જ પ્રસિદ્ધ અને અજીબોગરીબ છે. તે વિવાહ તો કરવા માંગતો હતો પરંતુ એના પસંદની કોઈ યુવતી એને મળતી નહોતી.આ મુંઝવણમાં તે આશા અને નિરાશા વચ્ચે ઝુલતો હતો. એક વાર એણે એક પ્રેમપત્ર લખ્યો અને એક કાચની શીશીમાં બંધ કરીને સમુદ્રમાં તરતો મુકયો.આ વાતને ઘણો સમય વીતી ગયો.ન જાણે આ પ્રેમપત્રને મેહર પણ ભુલી ગયો હતો. આ કાચની શીશી સમુદ્રમાં તરતી તરતી સંયોગવશ ડેનમાર્કની એક યુવતીના હાથમાં આવી. એ યુવતીએ એ પત્રને ઉત્સુકતાપૂર્વક વાંચીને એમાં લખેલ સરનામા પર એક પત્ર મોકલાવ્યો. મેહરે તરત જ તેનો જવાબ મોકલાવ્યો. બંને એકબીજાને જાણવા મળવા ઉત્સુક થયા. બંને એકબીજાને મળતા પસંદ થયા અને ધામધુમથી એમના લગ્ન સંપન્ન થયા.
આવી જ એક અનોખી ઘટના અમેરીકાના એક સૈનિક વિલ્સનની સાથે બની હતી. એની નિમણુંક એક અત્યંત નિર્જન સ્થાન પર થઈ હતી. ત્યાં સૈનિકો સિવાય અન્ય કોઈ વ્યક્તિ નજરે પડતી નહોતી. દુર દુર સુધી એક માત્ર સૈનિકો જ દેખાય. કોઈ અન્ય જાતિના માણસો કયાંય જાેવા ના મળે. એકદમ એકાંત અને જનશૂન્ય સ્થળ પર વિલ્સનના મનમાં વિવાહના અંકુર ફુટયા પરંતુ આવા માનવરહીત સ્થાન પર એ કેવી રીતે સંભવ બને ? એટલે એણે એક કાચની શીશીમાં પોતાનો એક ફોટો અને પ્રેમસંદેશો લખીને બંધ કરી તેને સમુદ્રમાં તરતી મુકી દીધી. ત્રણ મહીના બાદ એ પત્ર ઈંગ્લેન્ડની એક ટાઈપીસ્ટ યુવતી મીસ પોલા જેનીંગને મળ્યો અને વિલ્સનનો ફોટો અત્યંત આકર્ષક લાગ્યો અને વિલ્સન પાસે પહોંચી ગઈ અને બંને એકબીજાને જાેતાં જ પસંદ કરી લીધા અને એમનો વિવાહ થઈ ગયો.
જમૈકાનો એક ખેડૂત યુુવાનના લગ્ન કેળાના એક ઝુમખા વડે શકય બન્યા હતા. ખેડૂત યુવાન આકર્ષક અને સુંદર હતો અને તે કેળાની ખેતી કરતો હતો. એની સાથે ભાગ્ય આંખમીચોલીનો ખેલ ખેલતો હતો. એ જે યુવતીને પસંદ કરે તો તે યુવતી એને ના પાડી દેતી હતી. છેવટે એણે એક અજ્ઞાત યુવતીના નામે એક લાંબો પ્રેમપત્ર લખીને કેળાના ઝુમખામાં એવી રીતે મુકયો કે તે કોઈની નજરે ન પડે. દૈવયોગે એ કેળાનું ઝુમખું ઈંગ્લેન્ડની એક યુવતીએ ખરીદ્યું. આ યુવતી વિવાહ કરવા માંગતી હતી પરંતુ તે કોઈને કહી નહોતી શકતી. કેળાના ઝુમખામાં પ્રેમપત્ર જાેઈને તે યુવતી અતિ ભાવ વિભોર બની ગઈ અને તે યુવાન સાથે વિવાહના બંધનમાં બંધાઈ ગઈ.
ચીનમાં માન્યતા છે કે અવિવાહીત વ્યક્તિ મૃત્યુ પામે તો તેનો પરલોક બગડે છે. ચીનનો ૬૭ વર્ષનો લિયાન નામનો એક વૃદ્ધ વ્યક્તિ અવિવાહીત હતો. તે પોતાના મૃત્યુથી ચિંતીત હતો. એણે લગ્ન કરવાનો વિચાર કર્યો પરંતુ સમસ્યા એ હતી કે આ વૃદ્ધ સાથે કોણ લગ્ન કરે ? છેવટે આ વૃદ્ધ લિયાને એક મૃત મહિલા સાથે લગ્ન કર્યા. લિયાને ૧૬પ ડોલરમાં એક મૃત મહિલાનું શબ ખરીદ્યું.ત્યારબાદ તેની સાથે વિવાહ સંપન્ન કર્યા બાદ તેની અંતિમ યાત્રા કાઢીને તે મૃતસ્ત્રીને દફનાવી દીધી. માત્ર ટેલીફોન કરતાં જ બંને જણા વિવાહના સૂત્રમાં બંધાઈ ગયા. છેને આશ્ચર્યની વાત ! ભારતીય મુળનો એક યુવાન અબ્દુલ કાદીર જે લંડનમાં રહેતો હતો પહેલાં તો તેણે વિવાહ કર્યા નહોતા પરંતુ ઉંમર વીતી જતા તેને મનમાં લગ્ન કરવાની ઈચ્છા જાગી. તેણે એ માટે ટેલીફોન ડીરેકટરીની મદદ લીધી. કાદીરે હૈદ્રાબાદમાં રહેતી નજમા નામની એક અપરિચિત યુવતી સાથે ફોન પર વાત શરૂ કરી. બંને વચ્ચે કોઈપણ પ્રકારનો પૂર્વ પરિચય નહોતો તેમ છતાંય ફોન પર એકબીજા સાથે વાત કરતાં છેવટે તેઓ લગ્ન કરવાને માટે તૈયાર થઈ ગયા. બંને એકબીજાને પસંદ પડયા. સૌથી અનોખી વાત એ હતી કે જ્યારે કાઝીને બોલાવીને નિકાહ ભણાવામાં આવ્યા તે પણ ફોન પર ! આવી તો અનેક ઘટનાઓ આશ્ચર્યજનક અને વિચિત્રતાઓથી ભરેલી છે. આ સંસારમાં વિવાહની પરંપરાઓથી પરંતુ આ બધાની પાછળ આત્મીયતા અને પ્રેમનો સંચાર જ હોય છે.
-કમલેશ કંસારા