તીરથી પણ વેધક શબ્દોના બાણ
એકનાના ગામમાં ગરીબ ભરવાડ રહેતો હતો. એક દિવસ સાંજે જ્યારે તે જાનવરોને ચરાવીને પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક એક સિંહની ગર્જના સાંભળતાં તે ગભરાઈ ગયો. તેણે જાેયું તો એક ઝાડની નીચે એક સિંહ ઘાયલ થઈને પડયો હતો તે પોતાના બંને પંજા દેખાડી રહ્યો હતો જેમાંથી લોહી વહી રહ્યું હતું. તે સમયે સિંહની આંખોમાં ક્રુરતા કે ભયાનકતા નહોતી. ભરવાડ તરત જ સિંહની પાસે ગયો અને તેણે જાેયું તો સિંહના બંને પંજામાં કેટલાક કાચના ટુકડા છેક ઉંડે સુધી ઘુસી ગયા હતા. તેની પીડાથી સિંહ ખુબ દુઃખી થતો હતો.
ભરવાડે સાવચેતીપૂર્વક તે કાચના ટુકડા કાઢીને પછી જંગલમાંથી વનસ્પતિના પાન લાવીને વાટીને તેનો મલમ બનાવીને પંજા પર ચોપડીને પાટો બાંધી દીધો. આથી સિંહને થોડો આરામ થતો જણાયો.
દરરોજ ભરવાડ આવીને સિંહના ઘા પર મલમ લગાવીને સારવાર કરતો હતો.આમ ભરવાડ અને સિંહ એકબીજાના મિત્ર બની ગયા.
ભરવાડ દરરોજ તેના ઢોર ચરાવવા જંગલમાં આવતો પરંતુ સિંહ તેને કશુંય નુકશાન કરતો નહોતો. એક દિવસ સિંહે ભરવાડને પોતાની ગુફામાં બોલાવ્યો. ભરવાડે આવીને ગુફામાં જાેયું તો ઘણા બધા હીરા જવેરાત અને સોનાના દાગીના જાેયા. ભરવાડને લાગ્યું કે, આ સ્થળ પહેલાં ચોર ડાકુઓનો અડ્ડો હશે પરંતુ સિંહના આવવાથી તેઓ આ સ્થળ છોડીને કયાંક ચાલ્યા ગયા હશે. ભરવાડ તો આ બધું જાેઈને આશ્ચર્યમાં પડી ગયો.
સિંહે ભરવાડને કહ્યું કે, તું આ બધું તારી સાથે લઈ જા.. તે મને સાથે કર્યો એટલે મારા તરફથી તને આ નાની ભેંટ આપવા માગું છું.
ભરવાડ તો આ બધું ધન લઈને ગામમાં પાછો ફર્યો અને હવે તે ખુબ જ ધનવાન બની ગયો. એણે ઢોરો ચરાવવાનું પણ છોડી દીધું અને વેપાર શરૂ કર્યો. ભરવાડે ગામમાં આલીશાન બંગલો બનાવડાવ્યો અને નોકર ચાકર સાથેની સુખ સુવિધાઓ વસાવી. હવે તે ગામમાં શેઠ તરીકે ઓળખાવા લાગ્યો.
એક દિવસ ભરવાડે પોતાના ઘેર મિજબાની પાર્ટી રાખી હતી. પોતાના ઘેર પુત્રના જન્મને કારણે આખા ગામને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેણે પોતાના જુનામિત્ર સિંહને પણ પોતાના ઘેર બોલાવ્યો હતો.
સિંહે ભરવાડને કહ્યું કે મારી પાર્ટીમાં આવવાની ના નથી પણ જાે તું મને છુટો રાખીશ તો બધા ગભરાઈ જશે માટે મને એક સ્થળે દોરડા વડે બાંધી રાખજે. નક્કી કરેલા દિવસે સૌ આવવા લાગ્યા.સિંહને બાંધેલો જાેઈને શેઠને એના વિશુ પુછવા લાગ્યા ત્યારે તે કહેવા લાગ્યો કે, મેં સિંહને પાળ્યો છે તેને મેં પકડયો છે અને કેદ કરીને રાખ્યો છે. સિંહ આ સાંભળતાં અત્યંત દુઃખી થયો અને પસ્તાવો કરવા લાગ્યો કે આના કરતાં અહીં ન આવ્યો હોત તો સારૂં થાત. જ્યારે પાર્ટી પુરી થઈ એટલે ભરવાડે સિંહને કહ્યું ‘તમારા માટે રાખેલ બકરાને તમે કેમ ખાધો નહીં શું વાત છે ?’ સિંહે ફકત એક જ વાત કહી, આ સામે જે કુહાડી પડી છે તે મારા માથામાં માર.. નહીંતર હું તને ખાઈ જઈશ..
સિંહની આંખોમાં ક્રુરતા જઈને ભરવાડે સિંહના કહ્યા મુજબ તેના માથા પર ધીરેથી કુહાડીનો ઘા માર્યો.કુહાડી ધારદાર હોવાથી તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.
સિંહે કહ્યું, મિત્ર, આ કુહાડીના ઘા તો થોડાક દિવસમાં રૂઝાઈ જશે પરંતુ આજે તમે જે લોકોને મારા વિશે વાત કરી તે શબ્દોના બાણથી એટલે કે તીરથી પણ વધારે ઉંડા વાગ્યા છે તે કદાચ ઘા કયારેય નહીં રૂઝાય…
આટલું બોલીને સિંહ ત્યાંથી જંગલમાં ચાલ્યો ગયો અને ત્યારબાદ તે સિંહ ફરી કયારેય ભરવાડને ન મળ્યો જેનો ભરવાડને ખુબ જ પસ્તાવો થયો.
-કમલેશ કંસારા