કડીના કરણનગર રોડ સ્થિત કેદારનાથ બંગ્લોઝમાં રાત્રે યોજાયેલી સોસાયટીની માસિક મીટિંગ દરમિયાન હિંસક ઘર્ષણ સર્જાયું હતું. સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં ભાડુઆતોને ન રાખવા અંગેના મુદ્દે શરૂ થયેલી તકરાર હિંસક બની હતી. ઘટના અનુસાર, સોસાયટીમાં ભાડે રહેતા રાજુભા સોલંકી અને તેમના ભાણેજ અનિરુદ્ધસિંહ મીટિંગમાં હાજર હતા. મીટિંગ દરમિયાન સોસાયટીના રહેવાસી મેહુલભાઈ પટેલે સોસાયટીમાં ભાડુઆતોને ન રાખવા અને તેમને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાંથી દૂર રાખવાની વાત કરી હતી. આ મુદ્દે રાજુભા સોલંકીએ વિરોધ કરતાં મેહુલ પટેલ, મિત પટેલ અને યશ પટેલે તેમના પર હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા અનિરુદ્ધસિંહ પર પણ લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને માથામાં ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. ઘાયલોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ સોસાયટીમાં ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચેના સંબંધોમાં તણાવ ઉભો કર્યો છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. દરમિયાન મેહુલ પટેલે ગાળો બોલવાની ના પડતા તારે લોકો ઉસકેરાઈ જઈને મેહુલ પટેલ અને યશ પટેલ ઉપર હુમલો કરી નાખ્યો હતો જ્યાં બંનેને ઇજાઓ પહોંચતા કડીની રિધમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા હતા. સોસાયટીમાં એકાએક રહીશો વચ્ચે મારામારી અને ધીંગાણું થતા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવેલો હતો. બંને પક્ષો વચ્ચે મારા મારી થતાં પોલીસ દ્વારા બંને પક્ષોને ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી.