સરપંચ અને સભ્યોની ડમ્પરોની હેરાફેરી બંધ કરાવવાની માંગ
જુનાડીસા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા બનાસ નદીમાં ગેરકાયદે રેત ખનન અને ઓવરલોડ ડમ્પરો બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.ગામમાં રેત માફિયાઓના વધતા જતા ત્રાસના કારણે સરપંચ અમૃતભાઈ જે. પુનડીયા અને સભ્યો દ્વારા ગ્રામ્ય મામલતદાર, ડીસા ના.કલેક્ટર તથા તાલુકા પીઆઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જેમાં જુનાડીસાથી શાંતિધામ તરફ જતા એપ્રોચ રોડ તેમજ રાજપુર તરફના રોડ પરથી રેત ખનન વાહનોની અવરજવર બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ રેત ખનન પ્રવૃત્તિઓના કારણે માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે તેમજ ગામની શાંતિ અને સલામતી પર અસર પડી રહી છે. સાથે જ ડમ્પર ચાલક દ્વારા એક બાળકને ઇજા પહોંચાડેલ છે. આ રોડ માત્ર જુનાડીસા સિદ્ધેશ્વરી માતાના મંદિરના શ્રદ્ધાળુઓ માટે બનેલ છે પરંતુ હાલમાં આ રોડ જોખમી બન્યો છે. જેના લીધે નિર્દોષ લોકો આનો ભોગ ના બને એ હેતુસર ગામના હિતમાં હાલ તો રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં જો લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગામના હિતમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

