આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટેન્ડરીંગ પ્રક્રીયા હાથ ધરાઈ; ડીસા તાલુકાના જુનાડીસા ગામે જર્જરીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન નવું બનાવવા આખરે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરતા ગામ સહિત આજુબાજુના ગામલોકોમાં આનંદની લાગણી છવાઈ છે.
ડીસા તાલુકાનું સૌથી મોટું જુનાડીસા ગામ આજુબાજુના અનેક ગામોનું સેન્ટર ગામ પણ છે. ત્યારે ગામમાં આવેલ વર્ષો જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ગામ સહિત આજુબાજુના ગામના લોકો પણ લાભ લે છે. પરંતુ સમયના વહેણ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરીત અને ભયજનક બની જતા સ્ટાફ સહિત દર્દીઓ પણ ભારે હાડમારી વેઠે છે. જેને લઇ ગામ લોકોની રજૂઆતોના પગલે જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા કેન્દ્રનું જુનું મકાન તોડી નવું બનાવવા ઠરાવ કરાયો હતો. જેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તારીખ 27-9-2021 ના રોજ જિલ્લા પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેન્શન યુનિટના કાર્યપાલક ઇજનેરને કેન્દ્રનું નવું મકાન બાંધવાનો લેખિતમાં આદેશ કર્યો હતો. તેમછતાં લોકોની વ્યાજબી રજુઆત ધ્યાને લેવાતી નહતી પરંતુ ગામના દાઉદભાઈ ઘાસુરા સહિતના આગેવાનોની રજુઆતો રંગ લાવતા આખરે રાજ્ય સરકારની રૂ. 166.56 લાખના ખર્ચની મંજૂરી બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કેન્દ્રનું નવું બિલ્ડીંગ,પીએમ રૂમ અને કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ટેન્ડરીંગ પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે.વર્ષો બાદ માંગ સંતોષાતા ગામલોકોમાં ખુશાલી છવાઈ છે.
પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની માંગ; ડીસા તાલુકાનું સૌથી મોટુ જૂનાડીસા ગામ આજુબાજુના 20 જેટલા ગામોનું સેન્ટર ગામ છે. તેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ગ્રામજનો વર્ષોથી ડીસા નાયબ કલેકટરથી માંડી મુખ્યમંત્રીને રજૂઆતો કરીને થાક્યા છે. તેમ છતાં તંત્ર તેમની વ્યાજબી માંગણી સંતોષતું નથી. ત્યારે હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણની માંગ સંતોષાતા ગામલોકોમાં કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો આપવાની માંગ પ્રબળ બનવા પામી છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર આંગણે આરોગ્યની સવલત મળી રહે.