ડીસા તાલુકાની જુનાડીસા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક સરપંચ અમરતભાઈ પુનડિયાના અધ્યક્ષ સ્થાને મળેલ.જેમાં ડે. સરપંચની ચૂંટણી માટે સરકારી પ્રતિનિધિ નાયબ ટીડીઓ વિપુલભાઈ સાંખલા અને તલાટી હેમંતભાઈ પંચીવાલા હાજર રહેલ.બાદમાં ડે. સરપંચ પદ માટે એક માત્ર ફોર્મ આવેલ.જેથી ડે. સરપંચ તરીકે શીતલબેન દીનેશકુમાર (પોન્ટિંગ) દરજીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
કોમી એકતા માટે વખણાતા જુનાડીસા ગામના ડે.સરપંચની ચૂંટણીના અનુસંધાને એક દિવસ પહેલા કુમકુમ કોલ્ડ સ્ટોરેજ ખાતે નગર શેઠ રમેશભાઈ ભાટીના અધ્યક્ષ સ્થાને ચૂંટાયેલા સદસ્યોની એક બેઠકનુ આયોજન કરવામાં આવેલ. તેમાં સરપંચ સહિત તમામ સદસ્યો હાજર રહેલ. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સરપંચનું પદ જો સનાતન હિન્દુ સમાજ પાસે હોય તો ડે.સરપંચનું પદ મુસ્લિમ સમાજને આપવામાં છે. પરંતુ આ વખતે મુસ્લિમ સમાજની ઉદારતા તેમજ મોટા મન વચ્ચે ડે. પદના હકદાર ફારૂકભાઈ દાણીએ સામાજીક કારણોસર ડે. સરપંચ પદે રહેવાની અનિચ્છા જાહેર કરેલ. તેથી નવ યુવાન મોઇનખાન સિંધી પણ ડે. સરપંચના પદના પ્રબળ દાવેદાર હતા પરંતુ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સનાતન સમાજના અગ્રણીઓએ તેમની સાથે વાતચીત કરતા આખરે સમજાવટથી અઢી – અઢી વર્ષ માટે ડે. સરપંચ પદ નક્કી કરેલ. જેના પગલે આજે પ્રથમ મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને પૂર્વ તાલુકા ડેલીગેટના ધર્મ પત્ની શીતલબેન દિનેશકુમાર (પોન્ટિંગ) દરજીને ડે. સરપંચ પદે નિયુક્ત કરવામાં આવેલ અને હવે બીજી અઢી વર્ષની ટર્મ મોઇનખાન સિંધીને આપવામાં આવશે. નવનિયુક્ત ડે. સરપંચને ગામલોકોએ ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા.

