ડેરી ઉદ્યોગમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના નેતૃત્વમાં ગુજરાત-રાજસ્થાનનું સંયુક્ત પગલું

ડેરી ઉદ્યોગમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના નેતૃત્વમાં ગુજરાત-રાજસ્થાનનું સંયુક્ત પગલું

રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેન વિજ્યા રાહટકર, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજસ્થાનના પશુપાલન મંત્રી જોરારામ કુંપાવતની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પશુપાલક મહિલાઓ માટે મહિલા પ્રશિક્ષણ તથા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેન વિજ્યા રાહટકરએ જણાવ્યું કે, રાષ્ટ્રીય મહિલા આયોગ મહિલાઓને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ છે. આ આયોગે મહિલાઓના હક અને અધિકાર સુનિશ્ચિત કરવા માટે કાયદાઓ બન્યા છે. મહિલાઓને શિક્ષિત કરવા માટે સતત વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. ગુજરાત આજે દેશ માટે રોલ મોડલ છે. બનાસકાંઠાની મહિલાઓએ આજે દૂધ ક્રાંતિ થકી સમાજમાં સન્માન મેળવ્યું છે જે બદલ તેમણે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા બનાસ ડેરીનો આભાર વ્યકત કર્યો હતો.

તેમણે કહ્યું કે, મહિલા આયોગ ડેરી ઉદ્યોગ સાથે મહિલાઓના પ્રશિક્ષણ માટે કાર્ય કરી રહ્યું છે. વડાપ્રધાનએ કહ્યું છે કે,  આપણા દેશની બેટીઓ સક્ષમ છે. મહિલાઓમાં નિર્ણય લેવાની ક્ષમતા, નાણા બચાવવાની ક્ષમતા તથા દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહિલાઓ આગળ વધી રહી છે તે ગૌરવની બાબત છે. બનાસ ડેરીની છેલ્લા ૧૦ વર્ષમાં થયેલી પ્રગતિ પ્રશંસાને પાત્ર છે. બનાસ ડેરી ન માત્ર દેશ માટે પરંતુ વિશ્વના અનેક દેશો માટે રોલ મોડલ બની છે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડેરી ઉદ્યોગમાં ગુજરાત સાથે રાજસ્થાન પણ આગળ વધી રહ્યું છે. દૂધ ઉત્પાદક મહિલાઓના પરિશ્રમ સાથે આજે દૂધ ક્રાંતિ થઈ છે. તેમણે કહ્યું કે, મહિલા આયોગ મહિલાઓના સશક્તિકરણ માટે કાર્ય કરે છે. આ તાલીમ થકી બનાસકાંઠાની મહિલા પશુપાલકો ચોક્કસથી પ્રગતિ અપનાવશે. મહિલાઓ સક્ષમ થવાથી પરિવાર પણ પ્રગતિ કરે છે. મહિલાઓના સશક્તિકરણ થકી જ સામાજિક અને આર્થિક પરિવર્તન થઈ શકે છે.

તેમણે કહ્યું કે, મહિલા આયોગ ભારતીય સંવિધાનની સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા મહિલાઓના હક, નવા કાયદાઓ, મહિલાઓના અધિકાર વગેરે બાબતે શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે અને આનો શ્રેય મહિલાઓને જાય છે. બનાસકાંઠાની અનેક વિદ્યાર્થીનીઓ આજ સરકારી સેવાઓમાં જોડાઈ છે. દરેક પરિવારે પોતાના ઘરની મહિલાઓને આત્મવિશ્વાસ સાથે સ્કીલ ડેવલોપ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ.

આ પ્રસંગે રાજસ્થાન સરકારના પશુપાલન મંત્રી જોરારામ કુંપાવતએ જણાવ્યું કે, બનાસ ડેરીની વ્યવસ્થાને આજે રાજસ્થાન સરકારે પણ અપનાવી છે. બનાસ ડેરી આજે બનાસકાંઠા સહિત રાજસ્થાનના અનેક વિસ્તારો માટે આજીવિકાનું સાધન બની છે. મહિલાઓ અથાગ પરિશ્રમ કરીને પરિવારને આગળ ધપાવે છે. તેમણે કહ્યું કે, ગુજરાત મોડલની જેમ બનાસ મોડલ અને ડેરી ઉદ્યોગ અપનાવવા માટે રાજસ્થાન પણ આગળ વધી રહ્યું છે.

રાજસ્થાન કો-ઓપરેટીવ ડેરી ફેડરેશન (RCDF) ના એમ.ડી. શ્રુતિ ભારદ્વાજ જણાવ્યું કે, બનાસ ડેરીએ ૧૦ વર્ષમાં પાંચ ગણી વૃદ્ધિ મેળવી છે અને દૂધ સેક્ટર સિવાય બીજા બધા અલગ અલગ ફેક્ટરોમાં પણ કામ કર્યું છે. મહિલાઓના વિકાસ માટે NCW એ મહિલા સશક્તિકરણ કરવા માટે જુદા જુદા પ્રયાસો કર્યા છે. સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા શ્વેત ક્રાંતિ ૨.૨ લોન્ચ કરવામાં આવી છે. વેસ્ટ ટુ વેલ્થ, બાયોફિકસી પ્લાન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા મહિલાઓની આવકમાં વધારો થાય છે. તેમને પાંચ લાખનો દુર્ઘટના વીમો પણ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં રાજસ્થાનની ૫૦ પશુપાલક મહિલાઓ તથા બનાસકાંઠા જિલ્લાની પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનથી આવેલ ૫૦ મહિલા પશુપાલકો બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ તેમજ બનાસકાંઠાની મહિલા પશુપાલકોને મળીને ડેરી ઉદ્યોગમાં તેમણે કરેલી ક્રાંતિ અંગે માર્ગદર્શન મેળવશે. આ મહિલાઓ આગામી ત્રણ દિવસ સુધી જિલ્લામાં રહીને તાલીમ મેળવશે. આ કાર્યક્રમમાં મહિલાઓએ બનાસ દુહા ફિલ્મ નિહાળી હતી અને પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *