ડીસા તાલુકાના જાવલ ગામે છ દિવસ અગાઉ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરતાં ગણતરીના કલાકોમાં જ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જેમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું હતું. ડીસા તાલુકા પોલીસ દ્વારા આ ચકચારી હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીઓને રીકન્ટ્રક્શન માટે ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા.
આ હત્યા કેસની વિગતો જોઈએ તો છ દિવસ અગાઉ ગણેશભાઈ પટેલ પોતાના માસીના ઘરે લગ્ન પ્રસંગ પતાવી અને પોતાના ખેતરે આવી સુતા હતા તે દરમિયાન તીક્ષણ હથિયારો વડે માથાના અને શરીરના ભાગે ઘા મારી ગણેશભાઈની હત્યા કરવામાં આવી હતી. બનાવના પગલે પરિવારજનો દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ તપાસ દરમિયાન ગણેશભાઈ પટેલ અને તેમના કાકાની દીકરીના સાટામાં લગ્ન કર્યા હતા પરંતુ ગણેશભાઈ પટેલની કાકાની દીકરીને આ સાટા પદ્ધતિ પસંદ ન હતી અને ત્યારે અન્ય વ્યક્તિના પ્રેમમાં હોય આ તમામ લોકોએ ભેગા થઈ ગણેશભાઈ પટેલની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર હત્યા કેસમાં ડીસા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને આજે રીકન્ટ્રક્શન માટે જાવલ ગામમાં લાવવામાં આવ્યા હતા જ્યાં હત્યા કઈ રીતે કરી હતી?
કયા કયા હથિયારો વાપર્યા હતા અને કેવી રીતે હત્યા કરી હતી તે તમામ સાક્ષી અને પંચો સાથે રાખી પોલીસ દ્વારા રિકન્ટ્રક્શન કરાયું હતું. જે સમયે આરોપીઓને જોવા માટે હજારોની સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા. જોકે, મૃતકના પરિવારજનો જણાવ્યું હતું કે સરકારને એક જ માંગ છે કે આ હત્યા કરનાર ત્રણે આરોપીઓને આજીવન કેદ થાય અથવા તો ફાંસીની સજા આપવામાં આવે જેથી અન્ય કોઈ આવી ઘટનાને અંજામ ન આપે.