કુવામાંથી એકસાથે 5 મૃતદેહ બહાર કાઢવામાં આવતા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આપઘાતની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. સુમરા ગામમાં રહેતી પરિણીતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મોત નિપજ્યા છે. તમામના મૃતદેહોને ધ્રોલ સીએચસી ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ જણાવ્યું હતું કે આ ઘટના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં બની હતી. તેમણે કહ્યું કે મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ મહિલાએ આ પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બાબત જાણીને પોલીસ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
મૃતકોની ઓળખ; પોલીસ અધિકારી રાઠોડે જણાવ્યું હતું કે ભાનુબેન ટોરિયાએ તેમના બાળકો ઋત્વિક (3), આનંદી (4), અજુ (8) અને આયુષ (10) સાથે કૂવામાં કૂદી પડ્યા હતા. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.