શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામે આજે તા. ૨૩ મે, ૨૦૨૫ ના રોજ માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ કિંમતના શુદ્ધ સોનાના કુંડળ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ દ્વારા શ્રદ્ધાપૂર્વક દાનમાં અર્પણ કરવામાં આવ્યા છે. માતાજીની ભક્તિ અને સમર્પણ ભાવના સાથે જોડાયેલા જય ભોલે ગ્રુપ દ્વારા આ પૂર્વે સોનાની પાદુકા, ઘંટી, ચામર અને અજય બાણ જેવી અનેક ધાર્મિક વસ્તુઓ ભેટમાં અર્પણ કરવામાં આવી ચૂકી છે.
આ ભેટ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની ઉપસ્થિતિમાં મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી. જય ભોલે ગ્રુપના સેવાભાવી પ્રયત્નો અંબાજી ધામમાં ભક્તિ અને વૈભવનું ઉદ્દીપન કરે છે. ગુજરાતની ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક સમર્પણનું આ અદભૂત ઉદાહરણ છે.