જડિયા થી ઝાડી શેરા માર્ગની હાલત અત્યંત બિસમાર છે. હાલની પરિસ્થિતિ એવી છે કે રોડ પર મોટા-મોટા ખાડાઓ અને પાણી ભરાયેલા ખાબોચિયા માર્ગદર્શન વગરના વાહનચાલકો માટે ખતરાનો ઇશારો છે. ફોટામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સ્કૂલ બસ સહિત નાના મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. જેના કારણે બાળકોના ભવિષ્ય સાથે પણ એક પ્રકારે ખિલવાડ થઈ રહ્યો છે. સંખ્યાબંધ લોકો રોજ આ રસ્તે થી પસાર થાય છે, પણ તૂટી ગયેલા રોડના કારણે દુર્ઘટનાનું જોખમ સતત ઉભું છે.
સ્થાનિક લોકોની માંગ છે કે આ તૂટી ગયેલ શેરા રોડને નવેસરથી બનાવી જલ્દીથી સુધારો કરવો જોઈએ. તેઓએ શાસક પક્ષ અને તંત્રને આ સમસ્યા તરફ ધ્યાન આપવાની અપીલ કરી છે. સ્થાનિક નિવાસી શૈલેષભાઇ કહે છે, દરરોજ બાળકોને સ્કૂલ જવા આ રસ્તો વાપરવો પડે છે. વરસાદ પડે એટલે રસ્તો નદી જેવો થઈ જાય છે. તાત્કાલિક નવીન રસ્તા બાંધકામની જરૂર છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તો આવનારા મોસમમાં ગામના લોકો અને વિદ્યાર્થીઓને ખૂબ રાહત મળશે.