સિધ્ધપુર ખાતે પીએમશ્રી પ્રાથમિક શાળાના નવીન મકાનનું કેબીનેટ મંત્રી એ લોકાપર્ણ કર્યું
કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને શનિવારે સિધ્ધપુર ખાતે પીએમશ્રી પ્રાથમિક શાળાના નવીન મકાનનો લોકાપર્ણ સમારોહ યોજાયો હતો. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સિદ્ધપુર સંચાલિત પીએમશ્રી પ્રાથમિક શાળા નંબર -૪ અને પ્રાથમિક કુમાર શાળા નંબર – ૩ ના નવીન મકાનનું મંત્રીએ રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ તકતી અનાવરણ કરી શાળાના ઓરડાઓ અને શાળાની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, જે પ્રાથમિક શાળા નં -૩ માં અભ્યાસ કર્યો હતો એ શાળાના ઉદ્ઘાટનની તક મળી એનો વિશેષ આનંદ છે. પોતાને સૌભાગ્યશાળી માનતાં સરકાર અને શાળા પરિવારનો એમણે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ શાળાનો પાયો નાંખનાર અને શાળાના ગુરુજનોની કાર્યનિષ્ઠાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
છેલ્લા સાઈઠ વર્ષોમાં આ શાળામાંથી ૯ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં તેમની કારકિર્દી ઘડી આ શાળા અને સિદ્ધપુરને ગૌરવ અપાવ્યું છે. રાજ્ય સરકારે શિક્ષણ માટે ૬૦ હજાર કરોડનું બજેટ ફાળવી ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષણ ક્ષેત્રે પાછળ ન રહી જાય એની ચિંતા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી સ્કીલ આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે. ત્યારે મંત્રીએ વિદ્યાર્થીઓને સ્કીલ આધારિત શિક્ષણ અપનાવવા અનુરોધ કર્યો હતો. હાલનો સમય ડિજિટલ ક્રાંતિ અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે વિદ્યાર્થીઓને નવા પરિવર્તનોથી વાકેફ રહી તેમની કારકિર્દી ઘડતરની દિશામાં આગળ વધવા અપીલ કરી હતી. વર્ષ ૨૦૪૭ માં ભારતને વિશ્વગુરુ અને આર્થિક મહાસત્તા બનાવવામાં વિદ્યાર્થીઓનું મહત્વનું યોગદાન હશે એમ તેમણે ઉમેર્યું હતું.