ઇઝરાયેલ ગાઝામાં હમાસના સ્થાનોને સતત નિશાન બનાવી રહ્યું છે. આ જ ક્રમમાં, વહેલી સવારે દક્ષિણ ગાઝામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં એક બાળક સહિત ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. એક હોસ્પિટલના કર્મચારીઓએ આ માહિતી આપી. છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 59 લોકોના મોત થયા છે. ઈઝરાયેલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે કતારમાં યુદ્ધવિરામ મંત્રણા માટે નવા પ્રયાસો થઈ રહ્યા છે. હુમલા બાદ ઘટનાસ્થળનું વર્ણન કરતા અધિકારીઓએ અહેવાલ આપ્યો કે એક નાનો છોકરો તેના પિતાની પાસે રડતો હતો અને એક મહિલા સફેદ પ્લાસ્ટિકમાં લપેટાયેલી લાશની બાજુમાં પડી હતી.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 59 લોકો માર્યા ગયા અને 270 થી વધુ ઘાયલ થયા. લગભગ 15 મહિનાની લડાઈ બાદ યુદ્ધવિરામ માટે કતારની રાજધાની દોહામાં ચાલી રહેલી પરોક્ષ વાટાઘાટો અંગે તાત્કાલિક કોઈ નિવેદન આવ્યું નથી. હમાસ આતંકવાદી જૂથે કહ્યું હતું કે વાટાઘાટો ફરી શરૂ થઈ છે અને તે સમજૂતી પર પહોંચવા માટે પ્રતિબદ્ધ છે.